
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પપ્રધાન મમતા બેનરજી 20 ડિસેમ્બરે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે એવી એક ઉચ્ચ અધિકારીએ જાણકારી આપી હતી. મમતા બેનરજી પીએમ મોદી પાસે પ. બંગાળ રાજ્યના બાકી લેણાની માગ કરવા માટે મળવાના છે. એમ પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીના કાર્યાલયે મમતા બેનરજીની મુલાકાતની વિનંતી સ્વીકારી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને મમતા બેનરજીની આ બેઠક 20 ડિસેમ્બરે સવારે 11 વાગે યોજાશે. મમતા બેનરજીએ આ સપ્તાહની શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે તેમણે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી લાગુ કરવા અને પ. બંગાળમાં 1,15 લાખ કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવા માટે જણાવ્યું છે.
મંગળવારે સિલિગુડીના કંચનજંગા સ્ટેડિયમમાં જાહેર વિતરણ કાર્યક્રમને સંબોધતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રએ લઘુમતિઓ અને વિધવાઓને લગતી યોજનાઓ સહિતની રાજ્યની યોજનાઓ માટે ભંડોળ આપવાનું બંધ કરી દીધું છે. તેમણે કેન્દ્ર સરકાર પર જીએસટી કલેક્શનનો રાજ્યનો હિસ્સો રોકવાનો પણ આરોપ લગાવ્યો હતો.
બેનરજીએ જણાવ્યું હતું કે પહેલા રાજ્યની કમાણી સેલ્સ ટેક્સ દ્વારા થતી હતી, પણ હવે ટેક્સની સંપૂર્ણ રકમ જીએસટીના નામે કેન્દ્રને જાય છે. પ. બંગાળને હજી સુધી તેનો હિસ્સો મળ્યો નથી. ભાજપની એનડીએ સરકારે પ. બંગાળના લેણા મુક્ત કરવા જોઇએ અથવા સત્તા છોડી દેવી જોઇએ. ‘અમે ગરીબોને પૈસા આપો અથવા સિંહાસન છોડો એવું સૂત્ર લાવીશું અને કેન્દ્ર સરકારનો વિરોધ કરીશું’