મમતા બેનરજી સ્પેન, દુબઈના 11 દિવસના પ્રવાસે
કોલકતાઃ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આજથી 11 દિવસ માટે સ્પેન અને દુબઇના પ્રવાસે ગયા છે. સ્પેન અને દુબઈની 11-દિવસીય મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે બિઝનેસ સમિટમાં ભાગ લેશે અને અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.
મમતા બેનરજીએ રાજ્ય સચિવાલય નબાન્નામાં પત્રકારોને આ અંગે માહિતી આપી હતી. અહીંથી તેઓ સીધા દુબઇ જશે. દુબઇમાં તેઓ રાતવાસો કરશે અને બીજા દિવસે સવારે સ્પેનની રાજધાની માડ્રિડ જવા રવાના થશે. ત્યાં તેઓ બિઝનેસ સમિટમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ રેલ માર્ગે બાર્સેલોના જવા માટે રવાના થશે. બાર્સેલોનામાં તેઓ બે દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS)માં ભાગ લેશે. પાંચ વર્ષમાં આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છએ. આ અંગે માહિતી આપતા મમતા દીદીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ તેમને વિદેશ પ્રવાસ માટે જરૂરી પરવાનગી આપી નહોતી. જોકે, તેમને ઘણા કાર્યક્રમોના આમંત્રણો મળ્યા હતા.