નેશનલ

સુપ્રીમ કોર્ટમાં ‘વકીલ’ બનેલા મમતા બેનર્જીને આંચકો: SIR પ્રક્રિયા પર રોક લગાવવાનો કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ચુંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIRની કામગીરીના વિરોધમાં વકીલ બનીને સુપ્રિમ કોર્ટમાં પંહોચેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને કોર્ટે ફટકો આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, SIRની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની રોક કે અવરોધ પેદા કરવાની પરવાનગી અદાલત આપી શકે નહીં. ચીફ જસ્ટિસે તમામ રાજ્યોને આ પ્રક્રિયા સમજવાની સૂચના આપી છે અને ખાતરી આપી છે કે આ બાબતે જરૂરી તમામ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવશે.

આ કેસની સુનાવણી દરમિયાન મમતા બેનર્જી પોતે વકીલ બનીને કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યારે તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ દલીલો કરી હતી. કલ્યાણ બેનર્જીએ મતદાર યાદીમાં જોવા મળતી અનેક વિસંગતતાઓ પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, લઘુમતી બહુમતી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારોના નામ લોજિકલ ડિસ્ક્રીપન્સી યાદીમાં નાખી દેવામાં આવ્યા છે. તેમણે મતદાર યાદી સામે વાંધા ઉઠાવવા માટે વપરાતા ‘ફોર્મ 7’ અંગે દલીલ કરતા જણાવ્યું કે, હજારો વાંધા અરજીઓ અજ્ઞાત વ્યક્તિઓના નામે ફાઈલ કરવામાં આવે છે અને વાંધો ઉઠાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી પણ મળતી નથી.

સુનાવણી દરમિયાન મમતા બેનર્જીના વકીલ તરીકે હાજર થવા સામે પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ બાબતે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો કોઈ મુખ્ય પ્રધાન વકીલ તરીકે કોર્ટમાં હાજર રહે છે, તો તે ભારતીય બંધારણની તાકાત દર્શાવે છે. અદાલતે આ બાબતને રાજકારણથી દૂર રાખવાની સલાહ આપી હતી અને મમતા બેનર્જી સામેની અરજી કરનાર પક્ષને ફટકાર લગાવી હતી.

સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર (SIR) ની કામગીરી નિર્ધારિત રીતે જ આગળ વધશે. અદાલતે પ્રક્રિયાની પારદર્શિતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે, પરંતુ વિરોધ પક્ષની દલીલો છતાં હાલના તબક્કે પ્રક્રિયા અટકાવવાનો સાફ ઈનકાર કરી દીધો છે. આ ચુકાદાને કારણે મમતા બેનર્જી અને તેમની પાર્ટીની કાયદાકીય લડતને મોટો આંચકો લાગ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button