નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદના નિરાકરણ બાદ, દેશની ઘણી મસ્જીદોની જગ્યાએ પહેલા મંદિર હોવાના દાવા થઇ રહ્યા છે. જેને કારણે જેતે વિસ્તારમાં કોમી તાણાવની સ્થિતિ પેદા થઇ રહી છે, તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જીદમાં સર્વે બાબતે હિંસા (Sambhal Violence) થઇ હતી. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ આ મામલે ભારતીય જનતા પાર્ટીના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાગલા પાડવાનો પ્રયાસ:
મલ્લિકાર્જુન ખડગેએ એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ટોચના નેતૃત્વ પર નિશાન સાધ્યું. ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ દેશની મસ્જિદોમાં સર્વે કરાવીને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આવું કરીને ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત જે કહી રહ્યા છે તેનાથી ઉલટું જ કરી રહી છે.
દિલ્હીના રામલીલા મેદાન ખાતે દલિતો, લઘુમતીઓ, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના સંગઠન દ્વારા આયોજિત રેલીને સંબોધતા ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આવા સર્વેની મંજૂરી આપીને લોકોને એક થવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો.
મોહન ભાગવતે શું કહ્યું હતું:
તેમણે પૂછ્યું કે શું ભાજપના નેતાઓ લાલ કિલ્લો, તાજમહેલ, કુતુબ મિનાર કે ચાર મિનાર જેવી ઈમારતો તોડી પાડશે, જે મુસ્લિમોએ બાંધી હતી. ખડગેએ કહ્યું કે પીએમ મોદી સામાન્ય લોકોની વિરુદ્ધ છે કારણ કે તેઓ તેમને નફરત કરે છે. આપણી લડાઈ નફરત વિરુદ્ધ અને તેથી રાજકીય શક્તિ મહત્વપૂર્ણ છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, દરેક જગ્યાએ સર્વે કરવામાં આવી રહ્યો છે, મસ્જિદોની નીચે મંદિરો શોધવામાં આવી રહ્યા છે. પરંતુ 2023 માં, આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું હતું કે અમારો હેતુ રામ મંદિર બનાવવાનો હતો અને આપણે દરેક મસ્જિદની નીચે શિવાલય ન શોધવું જોઈએ.
Also Read – “હું 12 જ્યોતિર્લિંગોમાંનો એક” ખડગેના આ નિવેદન પર ગરમાયું રાજકારણ…
ખડગેએ કહ્યું, ‘નરેન્દ્ર મોદી કહે છે કે એક છીએ તો સુરક્ષિત છીએ, પરંતુ તેઓ કોઈને પણ સુરક્ષિત રહેવા દેતા નથી. સત્ય એ છે કે તમે (વડા પ્રધાન) જ લોકોને વિભાજિત કરી રહ્યા છો.’