નવી દિલ્હી: અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે (Hindenburg report) ગઈ કાલે શનિવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં SEBIના ચેરપર્સન માધબી પૂરી બૂચ (Madhabi Puri Buch)અને તેમના પતી પર ગંભીર નાણકીય ગેરરીતીના આક્ષેપો લગાવ્યા હતા, ઉપરાંત અદાણી જૂથ(Adani group) સાથે તેમના સંબંધો વિષે પણ ખુલાસા કર્યા છે. નવો રિપોર્ટ આવ્યા પછી ફરી ચર્ચાનો માહોલ ગરમ થયો છે. સરકાર અને વિપક્ષ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સેબીના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આ મામલાની તપાસ થવી જોઈએ.
મલ્લિકાર્જુન ખડગેએ x પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં કરેલા ઘટસ્ફોટ અંગે સેબીએ માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ મોદીજીના નજીકના મિત્ર અદાણીને ક્લીનચીટ આપી હતી. આજે એ જ સેબીના વડાના કથિત નાણાકીય સંબંધોનો પર્દાફાશ થયો છે. મધ્યમ વર્ગના નાના અને મધ્યમ રોકાણકારો, જેઓ તેમની મહેનતના પૈસા શેરબજારમાં રોકાણ કરે છે, તેમને સુરક્ષિત રાખવાની જરૂર છે કારણ કે તેઓ સેબી પર વિશ્વાસ રાખે છે. જ્યાં સુધી આ મેગા-કૌભાંડની JPC તપાસ નહીં થાય ત્યાં સુધી મોદીજી તેમના A1 મિત્રને મદદ કરતા રહેશે અને દેશની બંધારણીય સંસ્થાઓના ટુકડા થતા રહેશે.’
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે કોઈને કોઈ વિદેશી રિપોર્ટ બહાર આવે છે. બીબીસીની ડોક્યુમેન્ટરી સંસદના સત્ર પહેલા રિલીઝ કરવામાં આવી હતી. હિંડનબર્ગનો રિપોર્ટ સંસદના સત્ર પહેલા જાન્યુઆરીમાં આવ્યો હતો. આ તમામ ઘટનાઓ સંસદના સત્ર દરમિયાન બને છે. વિપક્ષના વિદેશી દેશો સાથે એવા સંબંધો છે કે તેઓ ભારતના દરેક સંસદ સત્ર દરમિયાન અસ્થિરતા અને અરાજકતા પેદા કરે છે. તેઓ ભ્રમ ફેલાવીને ભારતમાં આર્થિક અરાજકતા પેદા કરવા માંગે છે. હવે તેઓ સેબી પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા 30-40 વર્ષથી વિદેશી કંપનીઓ સાથે કેમ ઉભી છે? યુનિયન કાર્બાઈડને કેમ સમર્થન કરે છે?’
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સેબી ચીફ માધાબી બુચ અને તેમના પતિનીએ અદાણીના નાણાનો ઉપયોગમાં સંદિગ્ધ ઓફશોર ફંડમાં કર્યો છે.
જોકે, સેબીના વડા મધાબી બૂચ અને અદાણી જુથે આ આરોપોને વખોડી કાઢ્યા છે.