G-20ના ભોજન સમારોહમાં ખડગેને આમંત્રણ કેમ નહિ? આ નેતાએ ઉઠાવ્યા સવાલ
યુરોપ પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેલ્જીયમમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે વિપક્ષ આ મામલે ભારત સરકારના વર્તમાન વલણનું સમર્થન કરે છે.
દિલ્હી ખાતે G-20 શિખર સંમેલનના ભોજન સમારોહમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ ન અપાતા રાહુલ ગાંધીએ આ મામલે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “આમાં નવું શું છે? તેમણે વિપક્ષના નેતાને આમંત્રણ નથી આપ્યું એ ઘણું બધું કહી જાય છે. લોકોએ આના પરથી વિચારવું જોઇએ કે તેમની માનસિકતા કેવા પ્રકારની છે. તેઓ દેશની 60 ટકા વસ્તીના નેતૃત્વને મહત્વ નથી આપી રહ્યા. તેઓ વિપક્ષને મહત્વ નથી આપી રહ્યા.”
મારા ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું, તેમ જણાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું, “કલમ 370 મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે દરેક વ્યક્તિ ખુદને અભિવ્યક્ત કરી શકે. કાશ્મીરનો વિકાસ થવો જોઇએ, અને કાશ્મીરમાં શાંતિ પણ રહેવી જોઇએ. પેગાસસના મુદ્દે તેમણે કહ્યું કે મારા ફોનમાં જાસૂસી સોફ્ટવેર હતું. સરકાર મને ટ્રેક કરતી હતી”.
દેશનું નામ બદલવાના મુદ્દે રાહુલે કહ્યું, “તમારે વડા પ્રધાનને પૂછવું જોઇએ કે તેઓ અમારું નામ બદલશે કે નહિ? પરંતુ હું ઇન્ડિયા એટલે કે ભારત નામથી ખુશ જ છું. ખરેખર તો આ એક પેનિક રિએક્શન છે. આ ધ્યાન ભટકાવવાની યુક્તિ છે. અમે અમારા ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું એટલે સરકાર ગભરાઇ ગઇ છે. આથી તેઓ દેશનું નામ બદલવા માગે છે.”