મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર કર્યા પ્રહાર, ‘વડાપ્રધાન ખુદને ભગવાનનો અવતાર ગણાવે છે’

નવી દિલ્હી: કસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન પર અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો ભાજપના પ્રચારની વાત કરીએ તો પીએમ મોદીએ છેલ્લા 15 દિવસમાં પોતાના ભાષણમાં 232 વખત કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આ દરમિયાન તેમણે 758 વાર પોતાનું નામ ‘મોદી’ લીધું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદીએ તેમના ભાષણ દરમિયાન 573 વખત ઈન્ડિયા ગઠબંધન અને વિપક્ષની વાત કરી હતી, પરંતુ મોંઘવારી અને બેરોજગારી વિશે એક શબ્દ પણ બોલ્યો નહીં. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન 421 વખત મંદિર, મસ્જિદ અને સમાજને વિભાજીત કરવાની વાત કરી હતી. તેમણે 224 વખત મુસ્લિમ, લઘુમતી અને પાકિસ્તાન જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ ચૂંટણી પંચે તેમની સામે કોઈ પગલાં લીધાં નથી.
ચૂંટણી પરિણામો અંગે તેમણે કહ્યું કે, “અમને વિશ્વાસ છે કે દેશની જનતા 4 જૂન, 2024ના રોજ નવી વૈકલ્પિક સરકારને જનાદેશ આપશે. ઈન્ડિયા ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે અને અમે બધાને સાથે લઈને આગળ વધીશું. મોદીજી અને ભાજપના મુખ્ય નેતાઓએ ધાર્મિક અને વિભાજનકારી મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોરવાના અસંખ્ય પ્રયાસો કર્યા, તેમ છતાં લોકોએ ઈન્ડિયા ગઠબંધનના મુદ્દાઓ પસંદ કર્યા અને તે મુદ્દાઓ પર તેમને મત આપ્યા છે.
આ પણ વાંચો : જો પીએમ મોદી ભણેલા હોત તો તેમણે આવી વાતો ના કરી હોત, મલ્લિકાર્જુન ખડગેએ આવું કેમ કહ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, “અઢારમી લોકસભાની આ ચૂંટણી લાંબા સમય સુધી યાદ રહેશે. આ ચૂંટણીમાં દેશનો દરેક નાગરિક – જાતિ, ધર્મ, સંપ્રદાય, પ્રદેશ, લિંગ, ભાષા ભૂલીને લોકશાહી અને બંધારણને બચાવવા માટે આગળ આવ્યો છે. વડાપ્રધાન પોતાને ભગવાનનો અવતાર ગણાવે છે. ભાજપના નેતાઓ પણ તેમને ભગવાનનું સ્વરૂપ બતાવે છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, “બાબાસાહેબ આંબેડકરજીએ બંધારણ સભામાં તેમના છેલ્લા ભાષણમાં એક વાત કહી હતી, ‘ધર્મમાં ભક્તિ એ આત્માના ઉદ્ધારનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વીરપૂજાએ પતનનો માર્ગ છે, જે આખરે “સરમુખત્યારશાહીમાં સમાપ્ત થાય છે.”