PM Modi 3.0 : Mallikarjun Khargeએ મોદીના આ નિર્ણયને વખોડ્યો ને જણાવ્યું કે…

નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર બનાવવા નાણાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (11 જૂન, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ અગાઉની ગેરંટી પૂરી કરી ન હતી, છતાં તેના ગીત ગાયા કરે છે.
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે 17 જુલાઈ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મોદીની ગેરંટી આપી હતી કે 2022 સુધીમાં દરેક ભારતીયના માથા પર છત હશે. આ ગેરંટી પોકળ હોવાનું બહાર આવ્યું છે.
ખડગેએ કહ્યું કે આ વખતે આ 3 કરોડ ઘરો માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. કારણ કે ભાજપે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ-યુપીએ કરતા 1.2 કરોડ ઓછા મકાનો બનાવ્યા છે. કોંગ્રેસે 4.5 કરોડ મકાનો બનાવ્યા. તે જ સમયે, ભાજપ (2014-24) 3.3 કરોડ મકાનો બનાવી શકી છે.
ખડગેએ દાવો કર્યો હતો કે પીએમ મોદીની આવાસ યોજનામાં 49 લાખ શહેરી ઘરો – એટલે કે 60% ઘરો – માટે જનતાએ મોટા ભાગના પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી બેઝિક અર્બન હાઉસની કિંમત સરેરાશ 6.5 લાખ રૂપિયા છે. આમાં કેન્દ્ર સરકાર માત્ર 1.5 લાખ રૂપિયા આપે છે. રાજ્યો અને નગરપાલિકાઓ પણ આમાં 40% યોગદાન આપે છે. બાકીનો બોજ પ્રજાના માથે આવે છે. સંસદીય સમિતિએ આ વાત કહી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.