મલયેશિયા ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપશે
કુઆલા લુમ્પુર, તા. ૨૭ : મલયેશિયા પહેલી ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકોને ૩૦ દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજૂરી આપશે એવી જાહેરાત એના વડા પ્રધાન અનવર ઈબ્રાહીમે કરી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિદેશીઓને સવલત આપી મલેશિયા તાજેતરના અઠવાડિયામાં આવી છૂટ આપનાર થાઈલેન્ડ અને શ્રીલંકા સાથે જોડાયું છે.
ઈબ્રાહીમે કહ્યું હતું કે વિઝા વગર પ્રવેશની છૂટ આ અગાઉ જ તુર્કી અને જોર્ડન સહિતના અખાતના દેશોને અપાઈ છે.
સત્તાવાર સમાચાર સંસ્થા બેર્નામાએ અહેવાલ આપ્યો હતો કે નાણા ખાતાનો અખત્યાર સંભાળનાર ઈબ્રાહીમે કહ્યું હતું કે આ સવલત કડક ઝડતીને આધીન હશે. મલેશિયા આવનાર દરેક પ્રવાસી અને મુલાકાતીની કડક તપાસ કરાશે. સુરક્ષા એ અલગ બાબત છે. જો કોઈનો રેકોર્ડ ગુનાહીત હોય અથવા એનાથી આતંક ફેલાવવાની દહેશત હોય તો તેમને દેશમાં આવવા નહીં દેવાય. આની સત્તા સુરક્ષા દળો અને ઈમિગ્રેશન ખાતા પાસે હશે.
આ સુવિધા આઠ દેશોના આસિયાન જૂથને પણ અપાઈ છે.