મણિપુરમાં હિંસાનો ભોગ બનેલા વિસ્થાપિતો માટે નવા આધાર કાર્ડ બનાવો: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા મામલે મણિપુરની સરકારને આદેશ કર્યો છે કે અઠવાડિયની અંદર હાઇકોર્ટથી લઇને નીચલી કોર્ટ સુધીની તમામ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ વડે સુનાવણીની સુવિધા શરૂ કરવામાં આવે તેમજ કોઇપણ વકીલને તેમાં પ્રવેશતા રોકવામાં આવે નહિ. જો કોઇ વકીલને રોકવામાં આવશે તો તે સુપ્રીમના આદેશનું અપમાન ગણાશે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિગતો માગી હતી કે શું બધા સમુદાયના વકીલો કોર્ટમાં હાજરી આપી રહ્યા છે? કોર્ટે કહ્યું હતું કે અમે મણિપુર મામલે દખલ નહિ કરીએ, અમે નથી ઇચ્છતા કે મણિપુરનું તંત્ર કોર્ટ ચલાવે. કોર્ટે કહ્યું હતું કે અમે એ ભરોસો મુકવા તૈયાર નથી કે મણિપુરની હાઇકોર્ટમાં કામગીરી નથી થઇ રહી. એકબીજા પર કીચડ ફેંકવાનું બંધ કરો એ સૌના હિતમાં રહેશે તેમ સુપ્રીમે કહ્યું હતું.
આદેશોનું પાલન થઇ રહ્યું છે કે નહિ તે જાણવા માટે આવતા અઠવાડિયે સુનાવણી હાથ ધરાશે. આ મામલે સુપ્રીમે સ્થાનિકોને રાહત અને તેમના પુનર્વસન માટે દિશા-નિર્દેશ જણાવ્યા હતા. સુપ્રીમે વિસ્થાપિતો માટે આધારકાર્ડ બનાવી આપવાનો આદેશ કર્યો છે. જો કે તે UIDAI પર ઉપલબ્ધ વિગતોને આધારે જ બનશે. એવા લોકો, કે જેમના આધાર કાર્ડ ખોવાઇ ગયા છે, જેમના ડેટા પહેલાથી જ UIDAI પર ઉપલબ્ધ છે અને જેમણે અરજી આપેલી છે, તેવા નાગરિકોના જ આધારકાર્ડ ફરી બનશે. તમામ લોકો માટે આધારકાર્ડ ન બની શકે કેમકે મ્યાનમાર-બાંગ્લાદેશના ઘૂસણખોરોની પણ સમસ્યા ત્યાં છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે મણિપુર હિંસા કેસમાં પીડિતોને વળતર આપવા માટે પૂરતું ભંડોળ બહાર પાડવું જોઈએ. ગૃહ મંત્રાલયે આની પ્રક્રિયા માટે દિલ્હીમાં નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરવી જોઈએ. નોડલ ઓફિસર વળતરની અરજીઓ અથવા વળતર અંગેની ફરિયાદ દાખલ કરનારાઓને મદદ કરશે. કોર્ટે કહ્યું હતું કે જો નોડલ અધિકારીઓની નિમણૂક પહેલાથી જ થઈ ગઈ છે, તો અલગથી કંઈક કરવાની જરૂર નથી. જો કે મણિપુરની હિંસા અંગેની તપાસ માટે રચાયેલી કમિટીના વકીલ વિભા મખીજાએ જણાવ્યું હતું કે 60 ટકા જેટલા પીડિતોને વળતર ચૂકવાઇ ગયું છે.