
વારાણસી: વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદને લઈને વારાણસી કોર્ટે હિન્દુ પક્ષે મહત્વનો નિર્ણય લીધો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદની નીચે આવેલું છે.
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈકાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ અનામત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે. આપને જણાવી દઈએ કે નવેમ્બર 1933 સુધી અહી પૂજા-પાઠ કરાવવામાં આવતા હતા. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ તરફથી હવે અહી નિયમિત પુજા અર્ચના કરવામાં આવશે. કોર્ટે અરજી સ્વીકારી લેતા હિન્દુ પક્ષે તેને મહત્વની જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યાનો દાવો કર્યો છે.
આ કેસમાં હિન્દુ પક્ષનો દાવો છે કે અગાઉની પ્રદેશ સરકાર દ્વારા નવેમ્બર 1993થી પહેલા વ્યાસ ભોંયરામાં પૂજા પાઠ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને ફરીથી શરૂ કરવાના અધિકારોની માંગ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વાર્શિપ એક્ટ હેઠળ આ અરજીને રદ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વીકાર કરતાં હિન્દુ પક્ષની માંગણીને સ્વીકારીને પૂજા પાઠ કરવાના અધિકારી આપી ધીધા છે.