લખનઉમાં મોટી રેલ દુર્ઘટના ટળી: હમસફર એક્સપ્રેસના ટ્રેક પર લોખંડનો મોટો ઢાંચો મળ્યો, ષડયંત્રની આશંકા | મુંબઈ સમાચાર

લખનઉમાં મોટી રેલ દુર્ઘટના ટળી: હમસફર એક્સપ્રેસના ટ્રેક પર લોખંડનો મોટો ઢાંચો મળ્યો, ષડયંત્રની આશંકા

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી. મલ્હૌર સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર એક ભારે-ભરકમ લોખંડનો ઢાંચો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આનંદ વિહારથી ગોરખપુર જઈ રહેલી હમસફર એક્સપ્રેસ (12572)ના લોકો પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે ટ્રેન સમયસર રોકી દેવામાં આવી. આ ઘટના સોમવારે વહેલી સવારે 3:40 વાગ્યે બની હતી.

લોકો પાયલટે ટ્રેક પર આ અસામાન્ય વસ્તુ જોતા જ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને રોકી દીધી. આ ઘટનાની જાણ તરત જ એન્જિનિયરિંગ કંટ્રોલ લખનઉને કરવામાં આવી હતી. માહિતી મળતા જ RPF, સિવિલ પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવેલો આ ઢાંચો હોલ્ડિંગ સ્ટ્રક્ચર જેવો લાગી રહ્યો છે, જેનો નંબર 1087/8-10 છે અને તે ડાઉન લાઇન પર પડેલો મળ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આને કોઈ મોટા કાવતરા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, કારણ કે ટ્રેક પર આટલી ભારે વસ્તુનું પહોંચવું સામાન્ય બાબત નથી. RPF અને ગોમતીનગર પોલીસની ટીમે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, ખોટા સ્કેચ છતાં સાચા આરોપીઓ પકડાયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ લખનઉમાં રેલવે ટ્રેક પર સમાન પ્રકારના ષડયંત્રો થયા છે. ભૂતકાળમાં રહીમાબાદ નજીક રેલ ટ્રેક પર મોટા લાકડાનો બૉટો કેરીના પાન અને ભગવા કપડામાં લપેટીને મૂકવામાં આવ્યો હતો, જેનો હેતુ ગરીબ રથ સ્પેશિયલ ટ્રેનને પલટાવવાનો હતો. તે સમયે પણ રાત્રિના સમયે RPF અને રેલવે અધિકારીઓએ ટ્રેક સાફ કરાવ્યો હતો, જેના કારણે લગભગ એક કલાક સુધી ડાઉન ટ્રેક અવરોધિત રહ્યો હતો. તે મામલે પણ ગૅન્ગમૅનની ફરિયાદના આધારે રહીમાબાદ કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ નવી ઘટના ફરી એકવાર રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button