સેનાએ જમ્મુમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો….

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર સેનાએ ગોળીબાર કર્યો જેમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા.
આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પોસ્ટને આગ લગાવી દીધી હતી. સેનાએ તરત જવાબી કાર્યવાહી કરી હતી.
તેમજ પાકિસ્તાનનું આ ષડયંત્ર સફળ ન થયું અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો. આ ઘટના શુક્રવારે એટલે કે 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે બની હતી.
ભારતીય સેનાની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે આ ઘટના વિશે માહિતી આપી. ભારતીય સેનાની 16મી કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓ રાતના અંધારામાં સર્વેલન્સ ડિવાઇસ દ્વારા ઘૂસણખોરી કરતા જોવા મળ્યા હતા. ત્યારપછી જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોરી કરનારા એક આતંકીને ગોળી વાગી અને જમીન પર પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પૂંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેના એલર્ટ પર છે અને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સરહદ પર પૂંછ અને રાજૌરીમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ બંને જગ્યાએ ઈન્ટરનેટ સેવા હાતમાં બંધ કરવામાં આવી છે.