
ભોપાલ/ચેન્નઈ: મધ્ય પ્રદેશમાં ઝેરી Coldrif કફ સિરપના કારણે બાળકોના થયેલા મોતના ગંભીર મામલામાં મધ્ય પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં દવા બનાવતી કંપનીના ફરાર માલિક રંગરાજનની ચેન્નાઈથી ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશ પોલીસે ચેન્નાઈ પોલીસના સહયોગથી આ કાર્યવાહી કરી હતી.
ઝેરી કફ સિરપ મામલે રંગરાજનની લાંબા સમયથી શોધખોળ ચાલી રહી હતી. રંગરાજનની ધરપકડ કરનારને છિંદવાડા પોલીસે ₹20,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. છિંદવાડા રેન્જના પોલીસ ઉપ મહાનિરીક્ષક રાકેશ કુમાર સિંહ દ્વારા દવા નિર્માતા કંપનીના ફરાર આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેસની તપાસ માટે SITની રચના
આ સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ માટે જબલપુરના એડિશનલ એસપી અંજના તિવારીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
વિશેષ ટીમ તમિલનાડુમાં
ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત કફ સિરપ ‘Coldrif’ બનાવતી કંપનીના માલિકની ધરપકડ કરવા માટે મધ્ય પ્રદેશ પોલીસની એક વિશેષ ટીમ અગાઉથી જ તમિલનાડુ પહોંચી ચૂકી હતી. પરાસિયા એસડીઓપી જિતેન્દ્ર જાટના નેતૃત્વમાં બે ટીમો બુધવારે સવારે તમિલનાડુના ચેન્નાઈ અને કાંચીપુરમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો…ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!