કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસીએ મહુઆ મોઇત્રાથી કર્યો કિનારો
તૃણમૂલ કોંગ્રેસે શનિવારે કેશ ફોર ક્વેરી મામલે પોતાના સાંસદ મહુઆ મોઇત્રાથી દૂરી લીધી હતી. લોકસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો. લોકસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો. હાલમાં આ વિવાદ હાઉસ એથિક્સ કમિટી દ્વારા તપાસ હેઠળ છે. મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ‘લાંચ’ લેવાનો આરોપ છે. એવો આરોપ છે કે હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાની, જે રિયલ એસ્ટેટથી લઈને એનર્જી સુધીના વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે, તેમણે મોઇત્રાને અદાણી ગ્રુપ વિશે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે નાણાની ચૂકવણી કરી હતી.
હિરાનંદાનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બદનામ અને શરમજનક’ કરવા માટે અદાણીને નિશાન બનાવ્યા હતા. હિરાનંદાનીએ એફિડેવિટમાં આ દાવો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે, પાર્ટી પાસે આ મુદ્દે કહેવા માટે કંઈ નથી. “અમને લાગે છે કે જેમની આસપાસ આ વિવાદ કેન્દ્રિત છે તેઓ તેનો જવાબ આપવા માટે શ્રેષ્ઠ છે.”
તૃણમૂલ કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વ કોઈપણ વિવાદમાં પડવા તૈયાર નથી અને તેથી “તેનાથી અંતર રાખશે.” આ અંગે પ્રતિક્રિયા આપતા, ભાજપના નેતા રાહુલ સિંહાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ જ્યારે પણ તેના નેતાઓની ધરપકડ કરવામાં આવે છે અથવા મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હંમેશા તેની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરે છે. તૃણમૂલ કોંગ્રેસ એ જણાવવાની જરૂર છે કે તે મહુઆ મોઇત્રાને સમર્થન આપે છે કે નહીં.
આ અઠવાડિયાની શરૂઆતમાં, બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંત દેહદરાયએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં હિરાનંદાની પાસેથી ‘લાંચ’ લીધી હતી. તેના જવાબમાં મોઇત્રાએ તેમની સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દુબેની ફરિયાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદની એથિક્સ કમિટીને મોકલી છે. આ મામલે તપાસ કરી રહી છે.
15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા તેમના પત્રમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ દુબઈ સ્થિત હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાની વતી આ પ્રશ્નો પૂછ્યા હતા. તેઓ વકીલ જય અનંત દેહાદરાય દ્વારા કરાયેલા આક્ષેપો પર આધાર રાખતા હતા, જેમણે સીબીઆઈમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે મોઇત્રા દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલા ’50 પ્રશ્નો’ સીધા ‘ગ્રૂપના સીઈઓ દર્શન હિરાનંદાનીના વ્યવસાયિક હિતો અને વ્યક્તિગત હિતો સાથે સંકળાયેલા હતા.’
બિરલાએ આ મામલો લોકસભાની એથિક્સ કમિટીને મોકલ્યો છે, જેણે દુબે અને દેહદરાય બંનેને 26 ઓક્ટોબરે તેની સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. પરંતુ તે માત્ર ટીએમસી જ નથી પરંતુ કોંગ્રેસ સહિતના મુખ્ય વિપક્ષી જૂથો પણ આ મુદ્દે સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યા છે. શનિવારે જ્યારે આ મુદ્દે પક્ષની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા સીધા કંઈ ન કહીને મીડિયામાંથી આવા પ્રશ્નોને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.