મહુઆ મોઈત્રાની વધશે મુશ્કેલી
પૈસા લઇને સવાલ પૂછવાના મામલે આરોપી ઉદ્યોગપતિ બન્યા સરકારી ગવાહ, કબૂલી આ વાત
નવી દિલ્હીઃ સંસદમાં પૈસા લઇને સવાલ પૂછવાના મામલeમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી શકે છે. ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પૈસા લઇને સવાલ પૂછવાના કેસમાં સરકારી સાક્ષી બન્યા છે.
રિયલ એસ્ટેટ અબજોપતિ નિરંજન હિરાનંદાનીના પુત્ર દર્શન હિરાનંદાની તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને સંડોવતા કેશ-ફોર-ક્વેરી વિવાદમાં સરકારી સાક્ષી બન્યા છે. તેમણે દાવો કર્યો છેકે તેમણે કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછવા માટે રાજ્યસભાના સાંસદ મહુઆ મોઇત્રાના સંસદીય લોગઇનનો ઉપયોગ કર્યો હતો.
મહુઆ મોઇત્રાના નિશિકાંત દુબે સામે માનહાનિના કેસની સુનાવણીના એક દિવસ પહેલા આરોપી ઉદ્યોગપતિએ તમામ રહસ્યો જાહેર કર્યા છે. દર્શન હિરાનંદાનીનું આ નિવેદન મહુઆ મોઇત્રા માટે આંચકાથી ઓછું નથી, કારણ કે મોઇત્રા દ્વારા બીજેપી સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં શુક્રવારે સુનાવણી થાય તે પહેલા દર્શનનું નિવેદન આવ્યું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં સવાલ પૂછવા માટે ઉદ્યોગપતિ પાસેથી ‘લાંચ’ લેવાનો આરોપ લગાવ્યો હતો.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે દ્વારા તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સભ્ય મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રશ્નો પૂછવાના બદલામાં ‘લાંચ લેવા’ની કરેલી ફરિયાદને નીચલા ગૃહની એથિક્સ કમિટીને મોકલી છે.
આરોપી બિઝનેસમેન દર્શને તેની એફિડેવિટમાં કહ્યું હતું કે તે મહુઆ મોઇત્રાને અનેક પ્રસંગોએ મળ્યો હતો અને તે ટીએમસી સાંસદ સાથે રેગ્યુલર વાત કરતો હતો. ‘એક સાંસદ તરીકે મહુઆએ તેમની ઈમેલ આઈડી મારી સાથે શેર કરી, જેથી હું તેમને માહિતી મોકલી શકું અને તેઓ સંસદમાં પ્રશ્નો ઉઠાવી શકે. મેં તેમની વાત માની હતી.
ત્યાર બાદ મારી સાથે કેટલીક માહિતી શેર કરવામાં આવી, જેના આધારે મેં પ્રશ્નોનો મુસદ્દો તૈયાર કર્યો અને જરૂર પડ્યે તેમના સંસદીય લૉગિનનો ઉપયોગ કરીને પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું. દર્શને એવો પણ દાવો કર્યો હતો કે ટીએમસી નેતાએ તેમની પાસે વિવિધ પ્રકારની મદદ માંગી હતી.
ઘણી વખત તેમને લાગ્યું હતું કે તે મારો અયોગ્ય ફાયદો ઉઠાવી રહી છે અને મારા પર એવા કામ કરવા માટે દબાણ કરી રહી છે જે હું ઇચ્છતો ન હતો, પરંતુ ઉપરોક્ત કારણોને લીધે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જોકે, સાંસદ મહુઆ મોઇત્રાએ દર્શન હિરાનંદાનીના બધા આક્ષેપો નકારી કાઢ્યા છે, પણ બધાને ખબર છે કે કંઇ કારણ વગર ધુમાડો તો ના જ નીકળે. દર્શન હિરાનંદાનીની આ સ્પષ્ટતા બાદ સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી શકે છે.