
સંસદનું શીતકાલીન સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. એ પહેલા સરકારે 2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 3 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, અને આ પરિણામો બાદ શિયાળુ સત્રમાં ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળે એવી પ્રબળ શક્યતાઓ છે.
સામાન્યપણે સત્ર શરૂ થવાનું હોય તેના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક યોજાતી હોય છે, પરંતુ 3 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાવાની છે જેના કારણે બેઠક વહેલી રાખવામાં આવી છે. આ સત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણકે સત્રમાં ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના સાંસદ પદ પર પણ નિર્ણય લેવાશે. એથિક્સ કમિટી દ્વારા આ મામલે તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે. એથિક્સ કમિટી દ્વારા તેમનું સાંસદ પદ રદ થાય તેવી ભલામણ લાગુ થતા પહેલા ગૃહના સભ્યોએ અહેવાલ અપનાવવો પડશે.
આ સિવાય સત્રમાં IPC, CrPC અને એવિડન્સ એક્ટને બદલવા માટેના ત્રણ મોટા બિલો પર પણ વિચારણા થવાની સંભાવના છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક સાથે સંકળાયેલા બિલ વિશે પણ આ સત્રમાં ચર્ચા કરવામાં આવશે.