Parliament Winter Session: આજે પણ હોબાળો થવાની શક્યતા, મહુઆ મોઈત્રા વિરુદ્ધ રિપોર્ટ આજે રજૂ થઇ શકે
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે. રાજ્યસભામાં આજે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાંત TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ સંસદની એથિક્સ કમિટીની રિપોર્ટ આજે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
લોકસભાની એથિક્સ કમિટિનો રિપોર્ટ સોમવારે ગૃહના કાર્યસૂચિ મુજબ રજૂ કરવાનો હતો, જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને ‘પૈસા માટે સવાલ પૂછવાના’ આરોપમાં બરતરફ કાઢવાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું ન હતું, જેના પર કેટલાક વિપક્ષી સાંસદોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ રિપોર્ટ આજે ગૃહના ટેબલ પર મૂકવામાં આવી શકે છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ’બ્રાયને વર્તમાન આર્થિક સ્થિતિ પર ટૂંકા ગાળાની ચર્ચા માટે નોટિસ આપી હતી, જેને રાજ્યસભાએ સ્વીકારી લીધી છે. ‘સમાન વિકાસને પ્રોત્સાહન આપવા અર્થતંત્રને મજબૂત બનાવવું’ વિષય પર આજે બપોરે 2 વાગ્યે ચર્ચા થઈ શકે છે.
સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 રજૂ કરી શકે છે, આ આરક્ષણ કાયદા દ્વારા રાજ્ય સરકારની નોકરીઓ અને કોલેજમાં પ્રવેશમાં અનામત પ્રણાલી લાગુ કરવામાં આવશે.
ગઈ કાલે સોમવારે સંસદે ‘એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023’ને મંજૂરી આપી હતી. આ બિલનો હેતુ કોર્ટ પરિસરમાં દલાલોની ભૂમિકાને ખતમ કરવાનો છે. લોકસભાએ વિસ્તૃત ચર્ચા અને કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલના જવાબ બાદ ધ્વનિ મત દ્વારા બિલને મંજૂરી આપી હતી. આ બિલને રાજ્યસભામાં ગયા ચોમાસા સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું. સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને 22 ડિસેમ્બરે સમાપ્ત થશે.