નેશનલ

કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાએ ગુમાવ્યું સંસદ સભ્યપદ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના આજે પાંચમા દિવસે કેશ ફોર ક્વેરી કેસમાં સાંસદ મહુઆ મોઇત્રાને મોટો ઝાટકો લાગ્યો છે. મહુઆ મોઇત્રાનું સંસદ સભ્ય પદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહુઆ લોકસભાના સભ્ય હતા. તેમની હકાલપટ્ટી બાદ વિરોધ પક્ષોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગ-હમાંથી વૉકઆઉટ કર્યો હતો. લોકસભાની કાર્યવાહી 11 ડિસેમ્બરે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ગૃહ એથિક્સ સમિતિના તારણને સ્વીકારે છે કે સાંસદ મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને એક સાંસદ માટે અયોગ્ય હતું. તેથી તેમના માટે સાંસદ તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી.

મહુઆ મોઇત્રાને સંસદમાંથી હાંકી કાઢવા માટે NDA દ્વારા લાવવામાં આવેલ ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. શુક્રવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ એથિક્સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. લોકસભાની એથિક્સ કમિટીના રિપોર્ટ પર અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી.

આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોઇત્રાને બોલવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. નોંધનીય છે કે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ તેમની ફરિયાદમાં મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મોંઘીદાટ ગિફ્ટોના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. દુબેએ જણાવ્યું હતું કે આરોપો તેમને સુપ્રીમ કોર્ટના વકીલ તરફથી મળેલા પત્ર પર આધારિત છે, જેમાં મોઇત્રા અને દર્શન હિરાનંદાની વચ્ચે “લાંચના વ્યવહારોના પુરાવા” હતા.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મોઇત્રાની હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષે અને ખાસ કરીને તૃણમૂલ કૉંગ્રેસે મોઇત્રાને ગૃહમાં પોતાનો કેસ રજૂ કરવાની તક આપવા માટે ઘણી વખત સ્પીકરને વિનંતી કરી હતી, પરંતુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય પ્રથાને ટાંકીને મોઇત્રાને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવાનો ઇનકાર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button