નવી દિલ્હી: તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ ડિસેમ્બર 2023માં તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. હવે મહુઆ મોઇત્રાને તેમને મળેલો દિલ્હી સ્થિત સરકારી બંગલો તાત્કાલિક ખાલી કરવા કહેવામાં આવ્યું છે. મંગળવારે એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા આ અંગેનો આદેશ બાહર પાડવામાં આવ્યો હતો. એસ્ટેટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે બંગલો ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. કોર્ટમાં જવાની તક પણ આપવામાં આવી છે. પરંતુ, ત્યાંથી કોઈ રાહત મળી ન હતી. આવી સ્થિતિમાં જો હવે બંગલો ખાલી નહીં થાય તો દબાણપૂર્વકથી ખાલી કરવામાં આવશે.
સરકારી બંગલાની ફાળવણી રદ થયા પછી, મહુઆ મોઇત્રાને 7 જાન્યુઆરી સુધીમાં સરકારી બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બંગલો ખાલી કરવામાં આવ્યો ન હતો, ત્યારે એસ્ટેટ ડિરેક્ટોરેટે 8 જાન્યુઆરીએ નોટિસ બહાર પાડીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો કે શા માટે તેનું સરકારી નિવાસસ્થાન ખાલી કર્યું નથી. જે બાદ 12 જાન્યુઆરીએ ત્રીજી નોટિસ પણ આપવામાં આવી હતી. આ બંગલો મહુઆ મોઇત્રાને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. પરંતુ, 8 ડિસેમ્બર, 2023 ના રોજ સાંસદ પદ રદ થયા બાદ,બંગલાની ફાળવણી પણ રદ કરવામાં આવી હતી.
એસ્ટેટ ડિરેક્ટોરેટે મંગળવારે નોટિસ આપી હતી. વિભાગે 9B ટેલિગ્રાફ લેન ખાતેનો ટાઇપ 5 બંગલો તાત્કાલિક ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જો મહુઆ મોઇત્રા બંગલો ખાલી નહીં કરે તો ખાલી કરવાની ફરજ પાડવામાં આવશે. નોટિસ મુજબ, સંસદ સભ્યપદ ગુમાવ્યા પછી, તેઓ હવે આ બંગલા માટે પાત્ર નથી. નિયમ મુજબ તેને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે કોર્ટનો પણ આશરો લીધો હતો. પરંતુ ત્યાંથી કોઈ રાહત મળી ન હતી. તેથી તેઓએ તાત્કાલિક બંગલો ખાલી કરી દેવો જોઈએ. સરકારી બંગલો શક્ય તેટલી વહેલી તકે ખાલી થાય તેની ખાતરી કરવા માટે હવે એસ્ટેટ ડિરેક્ટોરેટના અધિકારીઓની એક ટીમ મોકલવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને