‘દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી…’ સરકારી આવાસ ખાલી કરવાના આદેશ સામે હાઇકોર્ટના દરવાજે મહુઆ મોઇત્રા
નવી દિલ્હી: લોકસભામાંથી હાલમાં જ હાંકી કાઢવામાં આવેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ રદ કરવામાં આવે અને 7 જાન્યુઆરી, 2024 સુધી ઘર ખાલી કરવાના આદેશને પડકારતા સોમવારે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજી અંગે મંગળવારે એટલે કે આજે સુનવણી થાય તેવી શક્યતાઓ છે.
મહુઆ મોઇત્રા દ્વારા કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ડાયરેક્ટરેટ ઓફ એસ્ટેટ્સના 11મી ડિસેમ્બરના આદેશને રદ કરવામાં આવે, અથવા તો 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી સરકારી આવાસમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રાને અનૈતિક આચરણ માટે દોષી સાબીત કરવામાં આવ્યા છે. અને 8 ડિસેમ્બર 2023ના રોજ મહુઆ મોઇત્રાને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ઉપહારો સ્વાકારવા અને એમની સાથે સંસદની વેબસાઇટનું પોતાનું યુઝર આઇડી અને પાસવર્ડ શેર કરવા બાબતે લોકસભામાંથી હાંકી કાઢાવામાં આવ્યા છે.
મોઇત્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાંથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. અને તેમના પક્ષે આગામી લોકસભાની ચૂંટણી 2024 માટે પણ કૃષ્ણનગરથી જ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, લોકસભામાંથી કાઢવાથી તેઓ ચૂંટણી માટે અયોગ્ય છે એ સાબિત નથી કરતું. તેથી તેઓ ફરીથી ચૂંટણી લડશે. અને તેમને તેમની એનર્જી અને સમય તેમના મતદારો પર ખર્ચ કરવાની જરુર છે.
તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં એકલા રહે છે. અને અહીં એમની પાસે કોઇ અન્ય ઘર કે કોઇ પણ વૈકલ્પીક વ્યવસ્થા નથી. જો તેમને સરકારી આવાસમાંથી બેદખલ કરવામાં આવે તો તેમને નવા આવાસની વ્યવસ્થા કરવી પડશે. જેને કારણે તેમના પર મોટો આર્થિક ભાર પડશે. તેથી તેના વિકલ્પમાં અરજી કરનાર વિનંતી કરે છે કે તેમને 2024ની ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી તેમના વર્તમાન ઘરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે.