મહુઆ મોઇત્રા સામે FIR નોંધવાની તૈયારીમાં CBI,LS સચિવાલય પાસેથી માગ્યો એથિક્સ કમિટિનો રિપોર્ટ

નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં TMC નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સીબીઆઈ તેમની સામે એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ લોકસભા સચિવાલય પાસેથી એથિક્સ કમિટિનો રિપોર્ટ માંગ્યો છે. લોકપાલની સૂચનાઓ બાદ, સીબીઆઈ પહેલાથી જ કેસની ‘તપાસ’ કરી રહી છે. મહુઆ મોઇત્રા પર ‘પૈસા લઇ સવાલ પૂછવાના’ આરોપ છે, જેને કારણે તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા સચિવાલયે હજુ સુધી એથિક્સ કમિટિનો રિપોર્ટ તપાસ એજન્સીને સોંપ્યો નથી. નોંધનીય છે કે એથિક્સ કમિટીએ પહેલા જ આરોપોની તપાસની ભલામણ કરી છે. જો લોકસભા સચિવાલય ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ જરૂરી મંજૂરી મેળવે છે અને એથિક્સ કમિટિનો રિપોર્ટ સીબીઆઈને સુપરત કરે છે, તો કેન્દ્રીય તપાસ એજન્સી લોકપાલની મંજૂરી વિના મહુઆ મોઇત્રા વિરુદ્ધ સીધી FIR દાખલ કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સીબીઆઈ પણ તેનો તપાસનો અહેવાલ લોકપાલને સુપરત કરશે અને જો લોકપાલ એજન્સીને ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપે છે, તો તે આ મામલે એફઆઈઆર દાખલ કરી શકે છે.
મહુઆ મોઇત્રા વિરુદ્ધ એથિક્સ કમિટિનો રિપોર્ટ 8 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગેની ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે એથિક્સ કમિટીએ પોતાના રિપોર્ટમાં મોઇત્રાને કેશ ફોર ક્વેરી કેસમાં દોષિત ઠેરવ્યા છે, તેથી તેને લોકસભામાંથી કાઢી મૂકવામાં આવે છે. જો કે, ટીએમસી નેતા તેમના પરના આરોપોને સખત રીતે નકારી રહ્યા છે.