Mahua Moitra: કેજરીવાલ બાદ હવે મહુઆ મોઇત્રા પર EDની તવાઈ! આ તારીખે હાજર થવા સમન્સ મોકલ્યા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) વિપક્ષના નેતાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે EDએ તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)ને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(FEMA) હેઠળ પૂછપરછ માટે 28 માર્ચે હજાર થવા સમન્સ મોકલ્યું છે. આ ઉપરાંત EDએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને પણ સમન મોકલવામાં આવ્યું છે.
આ પહેલા પણ ED મહુઆ મોઇત્રાને FEMA હેઠળ બે વખત સમન્સ મોકલી ચુકી છે. તાજેતરમાં, મહુઆ મોઇત્રાએ આ કેસની તપાસ કરવાની EDની પ્રક્રિયાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. જોકે કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી.
લોકપાલની સૂચનાઓ બાદ ગત ગુરુવારે CBIએ કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે દ્વારા મોઇત્રા પર લગાવવામાં આવેલા આરોપો બાદ લોકપાલે CBIને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત આ મામલે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ છ મહિનામાં રિપોર્ટ આપવા પણ કહેવામાં આવ્યું છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ‘અનૈતિક’ વર્તન બદલ મહુઆ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. લોકસભામાંથી સસ્પેન્શનને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. તેઓ TMCના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોઇત્રાના સહયોગી સુહાન મુખર્જીની દિલ્હીમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુઆ મોઇત્રા અને સુહાન મુખર્જી વચ્ચે થયેલા કેટલાક વ્યવહારો તપાસ હેઠળ છે. સુહાન મુખર્જી, પશ્ચિમ બંગાળના ઉચ્ચ-પ્રોફાઇલ વકીલ છે, તેઓ TMC સાથે જોડાયેલા કેટલાક ટોચના રાજકારણીઓની કાયદાકીય બાબતો સંભાળે છે.
શું છે કેસ:
તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહદરાય દ્વારા આપવામાં આવ્યા છે. લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં દુબેએ કહ્યું કે મહુઆ મોઇત્રાએ અદાણી સામે સવાલ પૂછવાના બદલામાં દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લીધા હતા અને મોંઘી ભેટ પણ લીધી હતી. એમ પણ જણાવ્યું હતું કે મોઇત્રા દ્વારા સંસદમાં પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 દર્શન હિરાનંદાની અને તેમની કંપનીના વ્યવસાયિક હિતોનું રક્ષણ કરવા માટે હતા.