કેશ ફોર ક્વેરી કેસમાં મોઈત્રાની મુશ્કેલીમાં વધારો, આ નેતાએ કર્યો નવો દાવો
નવી દિલ્હીઃ સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવાના મામલા (કેશ ફોર ક્વેરી)માં ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)નાં સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર વિરોધી પેનલ દ્વારા મહુઆ મોઇત્રાના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે એવું દાવો ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા કરવામાં આવ્યો છે. મહુઆ મોઇત્રા પર સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવાનો આરોપ દુબેએ લગાવ્યો હતો. દુબેએ આ મામલે આઈટી પ્રધાનને પત્ર પણ લખી સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.
ઝારખંડના ગોડ્ડાના ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ કરી હતી કે આજે મારી ફરિયાદ પર લોકપાલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપી સાંસદ મહુઆજીના ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે સંસદીય એકાઉન્ટનો લોગ-ઈન આઈડી અને પાસવર્ડ શેર કર્યો હતો. હિરાનંદાનીએ ટીએમસી સાંસદ વતી પ્રશ્નો પોસ્ટ કર્યા.
અગાઉ મહુઆએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. પણ હિરાનંદાનીની કબૂલાત બાદ મહુઆએ હિરાનંદાની સાથે તેના એકાઉન્ટનો લોગ-ઇન પાસવર્ડ શેર કરવાનો આરોપ સ્વીકાર્યો હતો. મહુઆએ દર્શન હિરાનંદાનીને પોતાના જૂનો મિત્ર ગણાવ્યા છે. જોકે, મોઇત્રાએ પૈસા લીધા બાદ સવાલ પૂછવાના આરોપોને ફગાવી દીધા છે.
એની સાથે જ મહુઆ મોઇત્રાના ભૂતપૂર્વ પાર્ટનર અને વકીલ જય અનંત દેહાદ્રઈએ મંગળવારે હૌજ ખાસ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ)ને એક પત્ર લખ્યો છે, જેમાં દેહાદ્રઈએ આરોપ લગાવ્યો હતો કે કમિટી સમક્ષ હાજર થયા બાદ, મહુઆ મોઇત્રા 5 અને 6 નવેમ્બરે તેમને જાણ કર્યા વિના તેમના ઘરે આવીને મારા સ્ટાફને ધમકાવ્યા હતા. મને ડર છે કે મોઇત્રા મારા પેટ હેનરીનો ઉપયોગ કરી મારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે.
મહુઆ મોઇત્રા 2 નવેમ્બરના રોજ સમિતિની નોટિસ પર હાજર થઈ હતી. હાજરી દરમિયાન, મહુઆએ મીડિયાની સામે હંગામો મચાવ્યો હતો અને સમિતિના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકર અને અન્ય સભ્યો પર અપમાનજનક પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો.
મહુઆ સાથેની સમિતિની બેઠકમાં હાજર રહેલા વિપક્ષી દળોના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે સમિતિએ તેઓને વ્યક્તિગત પ્રશ્નો પૂછ્યા હતા. સમિતિ પર આવા આરોપો લગાડીને સાંસદોએ તપાસ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.