મહુઆ મોઇત્રાએ લોકસભા સભ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

નવી દિલ્હી: ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ લોકસભાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ”કેશ ફોર ક્વેરી” મામલે એથિક્સ કમિટીની ભલામણને પગલે મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ શુક્રવારે રદ કરવામાં આવ્યું હતું.
મહુઆ મોઇત્રા પર આારોપ મુકાયો છે કે તેમણે પૈસા લઇને સંસદમાં સવાલો પૂછ્યા હતા. તેમજ તેમના ઉદ્યોગપતિ મિત્ર દર્શન હીરાનંદાનીને તેમણે પોતાની સંસદની લોગઇન આઇડી અને પાસવર્ડ શેર કર્યા હતા. એથિક્સ કમિટીએ આ આરોપોને સાચા ગણાવ્યા છે.
સંસદમાં રજૂ થયેલી રિપોર્ટમાં મહુઆ વિરુદ્ધ ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે અને તેમના પર કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી છે. આ રિપોર્ટ પર ચર્ચા થયા બાદ ધ્વનિમતથી તેને મંજૂર કરી દેવામાં આવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સાંસદ મહુઆ મોઇત્રાનું આચરણ એક સાંસદના રૂપમાં અનૈતિક અને અશોભનીય હતું. આથી તેમનું સાંસદપદ યથાવત રહે તે યોગ્ય નથી.
આ સમગ્ર ઘટના ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આરોપોથી શરૂ થઇ હતી. નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી કે સાંસદ મહુઆ મોઇત્રા પ્રખ્યાત ઉદ્યાગપતિ દર્શન હીરાનંદાની પાસેથી રૂપિયા લઇ રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇએ પણ મહુઆ મોઇત્રા લાંચ લેતા હોવાની અને એ મામલે સીબીઆઇ તપાસ થાય તેવી માગ કરી હતી. નિશિકાંતની ફરિયાદને પગલે ઓમ બિરલાએ લોકસભાની એથિક્સ કમિટીનું ગઠન કરીને તેમને સમગ્ર ઘટનાની તપાસ સોંપી હતી. નિશિકાંત દુબેએ બિરલાને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ‘વિશેષાધિકારનું ઉલ્લંઘન’ છે અને ઘટના ‘સદનના અપમાન’નો મામલો છે તેમ ગણાવ્યું હતું.
કમિટીએ મહુઆ મોઇત્રા, નિશિકાંત દુબે સહિત અનેક લોકોના નિવેદનો લીધા હતા. જો કે દર્શન હીરાનંદાની કે જય અનંત દેહાદ્રાઇને બોલાવવામાં આવ્યા ન હતા. વિનોદકુમાર સોનકરની અધ્યક્ષતાવાળી સમિતિએ 9 નવેમ્બરે એક બેઠકમાં ‘કેશ-ફોર-ક્વેરી’ના આરોપો પર મહુઆ મોઇત્રાની લોકસભા અધ્યક્ષતા રદ કરવાની ભલામણ કરતો પોતાનો અહેવાલ તૈયાર કર્યો હતો. કમિટીના 6 સભ્યોએ અહેવાલના પક્ષમાં મતદાન કર્યું હતું.