મહિલા આયોગ ચીફ સ્વાતિ માલીવાલે આ કારણોસર આપ્યું રાજીનામું..
આગામી રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 3 નામ જાહેર કર્યા છે, જેમાં એક નામ છે સંજય સિંહ, બીજુ નામ એન.ડી. ગુપ્તા અને ત્રીજું નામ એક મહિલાનું છે અને તે છે સ્વાતિ માલીવાલ. આમ આદમીની પોલિટીકલ અફેર્સ કમિટીએ આ અંગે મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં જવા માટે સ્વાતિ માલીવાલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું પણ આપી દીધું છે.
સ્વાતિ માલીવાલ રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રથમ મહિલા ઉમેદવાર છે, આ દ્વારા તેઓ રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા છે. 19 જાન્યુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીએ હાલના 2 સાંસદો સંજય સિંહ અને એનડી ગુપ્તાને પણ સ્વાતિ માલીવાલની સાથે રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાતિ માલીવાલને સુશીલ ગુપ્તાની જગ્યાએ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે સુશીલ ગુપ્તા આવનારા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મહત્વની જવાબદારી નિભાવવાના છે.
અગાઉ ક્યારેય સ્વાતિ માલીવાલની રાજકીય સક્રિયતા જોવા મળી નથી. લોકસભા પહેલા તેમને રાજ્યસભામાં મોકલવા એ આમ આદમી પાર્ટીમાં આંતરિક ફેરફારો સૂચવે છે. હાલ તો આમ આદમી પાર્ટી માટે કપરો સમય ચાલી રહ્યો છે. ED દ્વારા અત્યાર સુધીમાં કેજરીવાલને 3 વાર સમન્સ મોકલાઇ ચુક્યા છે અને એકપણ વાર તેઓ હાજર થયા નથી, કેજરીવાલ પર જે રીતે ધરપકડની તલવાર લટકી રહી છે અને તેને જોઇને લાગી રહ્યું છે કે તેઓ લાંબા સમય સુધી EDથી નહિ બચી શકે.
વાત લોકસભાની કરીએ તો દિલ્હીમાં લોકસભા જીતવા કુલ 7 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ 5 બેઠકોની માગ કરી રહ્યું છે. 4થી ઓછી તો બિલકુલ નહી, એવું કોંગ્રેસનું કહેવું છે, જો આમ આદમી પાર્ટી 3 બેઠકો માટે માની જાય તો ગઠબંધનની ગાંઠ યથાવત રહેશે, પરંતુ એ શક્ય બનશે કે કેમ તે અટકળોનો વિષય છે.