લોકસભા પહેલા ભાજપમાં ગયેલા કદાવર નેતાનો દમ ઘુંટાતા ફરી કોંગ્રેસનો પંજો પકડ્યો!

જયપુર: રાજસ્થાનના કદાવર નેતા મહેન્દ્રજીત સિંહ માલવીયાએ ભાજપ સાથે છેડો ફાડી ફરી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરતા રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. માલવીયાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે ભાજપમાં જોડાયા બાદ તેમને અહેસાસ થયો કે તેઓ ત્યાંની કાર્યપદ્ધતિમાં અનુકૂળ થઈ શક્યા નથી. તેમના આ નિર્ણયથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા મહેન્દ્રજીત સિંહે કહ્યું કે, “ભાજપમાં જોડાયા પછી મને સમજાયું કે હું ત્યાં એડજસ્ટ થઈ શકું તેમ નથી અને મારા વિચારો પણ તેમની સાથે મેળ ખાતા નથી. આથી મેં નક્કી કર્યું કે મારે ફરી કોંગ્રેસમાં જ પરત ફરવું જોઈએ.” તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોડા-વહેલા રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરીથી સત્તા પર આવશે જ અને તેને કોઈ રોકી શકશે નહીં.

મંત્રી ઝાબર સિંહ ખર્રાએ માલવીયાની સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, જો ભાજપમાં તેમનો દમ ઘૂંટાઈ રહ્યો હોય તો તેઓ કોંગ્રેસમાં જઈને આઝાદીનો શ્વાસ લઈ શકે છે. ખર્રાએ ઉમેર્યું કે કોઈ પણ પક્ષમાં રહેવું એ તેમનો વ્યક્તિગત અધિકાર છે, કદાચ તેમને જૂના સાથીઓની યાદ આવી હશે એટલે તેઓ પરત ફરી રહ્યા છે. જોકે, માલવીયાના આ નિવેદને ભાજપની છાવણીમાં ચિંતા જન્માવી છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્રજીત સિંહ માલવીયા લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જોકે, ટૂંકા સમયમાં જ તેમણે ભાજપ સાથેના વૈચારિક મતભેદોને આગળ ધરીને ઘરવાપસી કરી છે. વાગડ પંથકના રાજકારણ પર માલવીયાની પકડ મજબૂત હોવાથી, તેમનું કોંગ્રેસમાં પરત ફરવું આગામી સમયમાં ભાજપ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.



