મહાવિકાસ આઘાડીનું ઘોષણાપત્ર એ ‘મિશન કેન્સલ’: વિપક્ષ પર કોણે વરસાવ્યા ટીકાસ્ત્રો?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રને ‘મિશન કેન્સલ’ની ઉપાધી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પ્રચારસભા ગજાવતા વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસ પર ટીકાસ્ત્રોનો મારો કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાને રદ કરવાની વાત કૉંગ્રેસના ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટોમાં કરવામાં આવી હોવાનું કહી મોદીએ મહાવિકાસ આઘાડી (MVA)ની ટીકા કરી હતી.
છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ જ્યાં સતત જીતી રહી છે તે બીડ લોકસભા ક્ષેત્રના અંબાજોગાઇમાં મહાયુતિના ઉમેદવારનો પ્રચાર કરતા વખતે મોદીએ જણાવ્યું હતું કે ઇંડી(મહાવિકાસ આઘાડી)ના ‘મિશન કેન્સલ’ને તમે ઉખાડી ફેંકો.
કૉંગ્રેસ કહે છે કે જો તેમના હાથમાં સત્તા આવી તો તે કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ કરશે, મોદી સરકારે લાવેલો સીએએ (સિટીઝનશીપ અમેન્ડમેન્ટ ઍક્ટ) કાયદો રદ કરશે, મોદી સરકારે ત્રણ તલાક(ટ્રિપલ તલાક) વિરુદ્ધનો કાયદો રદ કરશે અને કિસાન સન્માન નિધીથી ખેડૂતોને મળતું ભંડોળ પણ રદ કરશે.
આ સિવાય મફત ધાન્ય યોજના પણ રદ કરવાની જાહેરાત મહાવિકાસ આઘાડીએ કરી છે. અમે દેશના પંચાવન કરોડ ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીના મફત આરોગ્ય ઉપચાર ઉપલબ્ધ કરાવવાના છીએ. આ બધી લોક કલ્યાણની યોજના રદ કરી મતપેઢી પર દાન આપવાની કૉંગ્રેસની યોજના છે, તેમ કહી મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બીડ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે અને 2009-14માં ગોપીનાથ મુંડે જ્યારે 2014-2019માં પ્રિતમ મુંડે અહીંથી સાંસદ રહ્યા છે.