મહાઠગ સુકેશની લક્ઝરી કારોની હરાજી કરી એજન્સીઓ વસુલશે 308 કરોડ રૂપિયા
મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી જપ્ત કરાયેલી 12 લક્ઝરી કારની બેંગલુરુમાં 28 નવેમ્બરે હરાજી કરવામાં આવશે. આવકવેરા વિભાગના અધિકારીઓએ 2018માં તમિલનાડુ અને કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આ વાહનો જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીઓ આ હરાજી દ્વારા મળેલી રકમમાંથી વિવિધ સંસ્થાઓના લેણાં ચૂકવશે. એક અહેવાલ મુજબ સુકેશ પર કુલ બાકી રકમ રૂ. 300 કરોડને વટાવી ગઈ છે, જે તેણે વિવિધ સંસ્થાઓ પાસેથી લોન તરીકે લીધી હતી અને તે ક્યારેય પરત કરી નથી.
સુકેશના વાહનો જે બેંગલુરુમાં હરાજી કરવામાં આવશે તેમાં 11 ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. તેમાં Rolls Royce, BMW M-5, Range Rover, Jaguar XKR Coupe, Innova Crysta, Nissan Teana, Porsche, Toyota Fortuner, Bentley, Rolls Royce, Lamborghini અને Toyota Prado જેવી હાઈ એન્ડ કારનો સમાવેશ થાય છે. આ વાહનો સારી સ્થિતિમાં છે. આ સિવાય સુકેશની ‘ડુકાટી ડાયવેલ’ બાઇકની પણ હરાજી થશે. હરાજી માટે આ વાહનોની પ્રારંભિક કિંમત 2 લાખથી 2 કરોડ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.
સુકેશ ચંદ્રશેખર પર રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરોની પત્નીઓ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો પણ આરોપ છે. તેણે કંપનીના પ્રમોટરોને જામીન આપવાનું વચન આપીને આ છેતરપિંડી આચરી હતી. તેના પર કાયદા મંત્રાલયના અધિકારીની નકલ કરીને મહિલાઓને છેતરવાનો પણ આરોપ છે.
તે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો પણ સામનો કરી રહ્યો છે. હાલમાં સુકેશ દિલ્હીની જેલમાં બંધ છે. 35 વર્ષનો માસ્ટરમાઇન્ડ સુકેશ બેંગલુરુનો રહેવાસી છે. તેણે અભિનેત્રી લીના મારિયા પોલ સાથે લગ્ન કર્યા છે, જે છેતરપિંડીમાં તેની ભાગીદાર હતી.
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સુકેશ ચંદ્રશેખરના 26 વાહનોની હરાજી કરવાની મંજૂરી આપી હતી. દસ્તાવેજો અનુસાર, આ વાહનોની માલિક સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ કોર્ટને કહ્યું હતું કે EDએ તપાસ માટે કેસ સાથે સંબંધિત વાહનોનો કબજો લઈ લીધો છે.
EOWએ ED સાથે હરાજીમાં ભાગ લેવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. EDએ કોર્ટને કહ્યું હતું કે તપાસ દરમિયાન જપ્ત કરાયેલા વાહનોની જાળવણી ખૂબ ખર્ચાળ છે અને તેને ઉપયોગમાં લેવાથી સરકારી તિજોરી પર બોજ પડશે. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે આ કેસમાં વકીલોની દલીલો સાંભળ્યા બાદ EDને કેસ સંબંધિત વાહનોની હરાજી કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે EOW અધિકારીઓને પણ હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.