નેશનલ

મહારાષ્ટ્રનું નવા કરવેરા વિનાનું બજેટ

બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત કરવાનું કામ પૂરું ક વિરાર-અલીબાગ કૉરિડૉર માટે જંગી ભંડોળની ફાળવણી ક નવી મુંબઇ વિમાનમથકનું કામ ઝડપથી પૂરું કરાશે ક પુણેના ઔંધ ખાતે ‘એઇમ્સ’નું નિર્માણ થશે ક અયોઘ્યા, શ્રીનગરમાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવાશે

મુંબઈ: મહારાષ્ટ્રના નાણાં પ્રધાન અજિત પવારે નવા કરવેરા વિનાનું ૨૦૨૪-૨૦૨૫નું રૂપિયા ૬,૦૦,૫૨૨ કરોડનું રૂપિયા ૯,૭૩૪ કરોડની મહેસૂલી ખાધવાળું વચગાળાનું અંદાજપત્ર મંગળવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું હતું.

અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે લોકસભાની ચૂંટણી પછી એક પૂરક (સંપૂર્ણ) અંદાજપત્ર રજૂ કરાશે. બજેટમાં રૂપિયા ૪,૯૮,૭૫૮ કરોડની મહેસૂલી
આવક અને રૂપિયા ૫,૦૮,૪૯૨ કરોડના મહેસૂલ ખર્ચનો અંદાજ રખાયો હોવાથી રૂપિયા ૯,૭૩૪ કરોડની મહેસૂલી ખાધ રહેશે.

રાજ્યના નાણાં પ્રધાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને ચાલુ નાણાકીય વર્ષમાં માલ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ – જીએસટી)ના વળતર (કૉમ્પેન્સેશન) તરીકે રૂપિયા ૮,૬૧૮ કરોડ મળ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના દસ મોટા શહેરમાં ૫,૦૦૦ મહિલા માટે ગુલાબી (પિંક) ઑટૉ-રિક્ષાની સ્કીમ શરૂ કરાશે. રાજ્યમાં છ વંદેભારત એક્સ્પ્રેસ ટ્રેન શરૂ કરાઇ છે.

અજિત પવારે જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે મહારાષ્ટ્રમાં જમીન હસ્તગત કરવાનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. નવી મુંબઈના વિમાનમથકના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પુણેના ઔંધ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) શરૂ કરાશે.

તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા અને શ્રીનગરમાં ‘મહારાષ્ટ્ર ભવન’ અતિથિગૃહનું નિર્માણ કરાશે, જ્યાં મહારાષ્ટ્રના લોકોને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવશે.

રાજ્યના નાણાં પ્રધાને જણાવ્યું હતું કે ‘એક રૂપિયાની પાક વીમા યોજના’ હેઠળ ૨૦૨૩ની ખરીફ પાક મોસમમાં રાજ્યના ૫૦.૦૧ લાખ ખેડૂતને રૂપિયા ૨,૨૬૮.૪૩ કરોડ ચૂકવાયા હતા. ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ ૮૪.૫૭ લાખ ખેડૂતને પ્રથમ હપ્તામાં રૂપિયા ૧,૬૯૧.૪૭ કરોડ અપાયા હતા.

શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે વિધાન પરિષદમાં અંદાજપત્ર વાંચ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button