નિર્દયી કૃત્ય: સિંધુદુર્ગના જંગલમાં અમેરિકન મહિલા સાંકળોથી બાંધેલી હાલતમાં મળી આવી
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી (Sindhudurg Forest) ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસને યુસની નાગરિક મહિલા ઝાડ સાથે બંધાયેલી હાલતમાં મળી આવી હતી. મહિલાને લોખંડની સાંકળ વડે દિવસોથી ઝાડ સાથે બંધી રાખવામાં આવી હતી. મહિલા પાસેથી યુએસ પાસપોર્ટની ફોટોકોપી તેમજ તમિલનાડુના સરનામાવાળું આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે સોનુર્લી ગામમાં શનિવારે સાંજે ભરવાડે કોઈ મહિલા મદદ માટે બૂમો પાડતી હોય એવું સાંભળ્યું હતું અને ત્યાર બાદ ભરવાડે મહિલાને સાંકળ સાથે બંધાયેલી હાલમાં જોઈ, ત્યાર બાદ પોલીસને જાણ કરી.
ટ્રોમાંની હાલતમાં મહિલા પોલીસને હાલ કશું જણાવી શકે એમ નથી. મહિલાને ઘણા દિવસો સુધી પૂરતું ખોરાક ન મળવાથી અને સતત વરસાદમાં ભીંજાવાને કારણે મહિલાની શારીરક સ્થિતિ નજુક છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ “મહિલાને પહેલા સાવંતવાડી અને પછી સિંધુદુર્ગમાં ઓરોસની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહિલાની માનસિક સ્થિતિ અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અદ્યતન સારવાર માટે મહિલાને ગોવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. તેની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું કે મહિલા માનસિક બીમારીથી પીડાય છે. અમને તેની પાસેથી મેડીકલ પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યા છે.”
અધિકારીએ વધુમાં કહ્યું કે “અમને તમિલનાડુ સરનામાં સાથે તેનું આધાર કાર્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પાસપોર્ટની ફોટોકોપી મળી આવ્યા. મહિલાના ઓળખ લલિતા કાયી તરીકે થઈ છે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. અમે તેની રાષ્ટ્રીયતાની ખાતરી કરવા માટે આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ. પોલીસ ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસના સંપર્કમાં છે.”
પ્રારંભિક તપાસ મુજબ, 50 વર્ષીય પીડિત મહિલા છેલ્લા 10 વર્ષથી ભારતમાં જ છે. હજુ એ જાણી નથી શકાયું કે મહિલા કેટલા સમયથી ઝાડ સાથે બંધાયેલી હતી, પોલીસને તેના પતિ પર શંકા છે, જે તમિલનાડુનો છે.
વધુ તપાસ માટે પોલીસની ટીમ તમિલનાડુ અને ગોવા પહોંચી છે, તેના પરિવાર અને મિત્રોની પુછપરછ કરવામાં આવી રહી છે.