ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરાયું

નાંદેડ : મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ અંગે દક્ષિણ મધ્ય રેલ્વેએ જાહેરાત કરી છે. આ સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. જેથી હવે સ્ટેશનના તમામ સાઈનબોર્ડ, ટિકિટ, જાહેરાત અને ડિજીટલ સીસ્ટમમાં નવું નામ અપડેટ કરી દેવામાં આવ્યું છે.
સ્ટેશનનો નવો સ્ટેશન કોડ CPSN
આ અંગે દક્ષિણ મધ્ય રેલ્વેએ સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે દક્ષિણ મધ્ય રેલ્વેના નાંદેડ ડિવિઝનના “ઔરંગાબાદ” રેલ્વે સ્ટેશનનું નામ બદલીને “છત્રપતિ સંભાજીનગર” રેલ્વે સ્ટેશન કરવાની મંજૂરી આપી છે. આ સ્ટેશનનો નવો સ્ટેશન કોડ “CPSN”હશે.
જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી
આ અંગે રેલ્વેના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર સરકારની ભલામણ અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનનું નવું નામ, છત્રપતિ સંભાજીનગર, મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી અને ઐતિહાસિક યોગદાનને માન આપવા માટે રાખવામાં આવ્યું છે.રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે બદલાવ બાદ સ્ટેશન સંબંધિત બધી માહિતી અને ટિકિટ મુસાફરોને નવા નામ હેઠળ આપવામાં આવશે. જેની માટે રેલ્વેએ બધી જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે. સ્ટેશનનું નામ હવે બધા પ્લેટફોર્મ પર અને ટ્રેનની જાહેરાતોમાં
સાંભળવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેન્દ્ર સરકારે 2022માં ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાની મંજૂરી આપી હતી. હવે રેલ્વે સ્ટેશનનું નામ બદલીને આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.



