ગુજરાતી સંસ્થાઓએ તૈયાર કર્યો મહાપ્રસાદ
અયોધ્યા : સોમવારે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનારા વીઆઈપી એટલે કે મહાનુભાવોને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાપ્રસાદ આપશે અને તે ગુજરાતની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયો છે.
અધિકારીએ કહ્યું હતું કે શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા, સાકર અને બેસન વડે મહાપ્રસાદ બનાવીને તેના ૨૦,૦૦૦થી વધારે પેકેટ સમારોહના મહેમાનને આપવા માટે સંસ્થાઓએ ટ્રસ્ટને આપ્યા છે.
આ મહાપ્રસાદ ગુજરાતની ભગવા સેના ભારતી ગરવી અને સંત સેવા સંસ્થાએ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ બનાવ્યા છે. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ કમલભાઈ રાવલે કહ્યું હતું કે અમને મહાપ્રસાદ બનાવવાની અને સંતોના રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપાઈ છે. મહાપ્રસાદ ૨૦૦ જણની ટીમે ૫,૦૦૦ કિલોની સામગ્રી વડે બનાવ્યો છે.
રાવલે કહ્યું હતું કે મહાપ્રસાદ શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા, સાકર અને બેસનમાંથી બનાવવામાં આવ્યો છે. મહાપ્રસાદની શુદ્ધતા માટે ખાસ દરકાર લેવાઈ હતી અને તેની સામગ્રી સંસ્થાએ જાતે બનાવી હતી. બજારમાંથી કોઈ પણ સામગ્રી તૈયાર લવાઈ નથી. ૨૦,૦૦૦થી વધારે પેકેટ બનાવવામાં આવ્યા છે.
સનાતની પરંપરાને ધ્યાનમાં રાખીને મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બે લાડુ, સરયૂ નદીનું પાણી, અક્ષત, સોપારીની પ્લેટ અને કલાવા હશે. સંસ્થાએ મહાપ્રસાદના પેકેટ રવિવારે ટ્રસ્ટને સુપરત કર્યા હતા. (એજન્સી)