183 દેશના 33 લાખથી વધુ લોકોએ લીધી મહાકુંભની વેબસાઇટની મુલાકાત…
પ્રયાગરાજઃ મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. મહાકુંભને લઈ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકોમાં જિજ્ઞાસા છે. ઈન્ટરનેટ પર લોકો મહાકુંભની વેબસાઇટથી જાણકારી મેળવી રહ્યા છે. મહાકુંભની વેબસાઇટ સંભાળી રહેલી ટીમના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, 4 જાન્યુઆરી 2025 સુધી 183 દેશોના 33 લાખથી વધુ લોકો મહાકુંભની વેબસાઇટની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિત અનેક દેશોના લોકો સામેલ છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ
ટેક્નિકલ ટીમ અનુસાર 6 ઓક્ટોબર, 2024ના રોજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ વેબસાઇટ લોન્ચ કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં લોકો આ વેબસાઇટની મુલાકાત લઇ રહ્યા છે. મહાકુંભ નજીક આવતાં જ સર્ચ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ટીમે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર આ મહાકુંભને ડિજિટલ મહાકુંભ તરીકે પ્રસ્તુત કરી રહી છે. ઉપરાંત શ્રદ્ધાળુઓની સુવિધા માટે અનેક ડિજિટલ મંચ બનાવાયા છે. તેમાં પણ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ મુકવામાં આવી છે.
આ દેશોમાંથી પણ લોકોએ લીધી વેબસાઇટની મુલાકાત
183 દેશોના 6206 શહેરોમાંથી લોકોએ આ વેબસાઇટની મુલાકાત લીધી છે. તેમણે વેબસાઇટ પર ઘણો સમય પણ વીતાવ્યો છે. ટૉપ-5 દેશોની વાત કરીએ તો પ્રથમ નંબર ભારતનો છે. જે બાદ અમેરિકા, કેનેડા, બ્રિટન અને જર્મનીમાંથી પણ લાખો લોકો દરરોજ વેબસાઇટની મુલાકાત લઇને મહાકુંભની જાણકારી મેળવી રહ્યા છે.
વેબસાઇટમાં કઈ વિગતો આપવામાં આવી છે
આ વેબસાઇટ પર મહાકુંભ સાથે જોડાયેલી પરંપરા, મહાકુંભનું મહત્ત્વ, આધ્યાત્મિક ગુરુઓની સાથે સાથે કુંભ પર કરવામાં આવેલું રિસર્ચ સહિતની જાણકારી આપવામાં આવી છે. મહાકુંભ દરમિયાન મુખ્ય આકર્ષણ, શું કરવું, શું નહીં અને કલાકૃતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. તેમજ ટ્રાવેલ એન્ડ સ્ટે, ગેલરી, શું નવું થઈ રહ્યું છે તેની પણ માહિતી છે.
આ પણ વાંચો : Mahakunbh 2025 : મહાકુંભમાં બુલંદ કરાશે સનાતન બોર્ડનો મુદ્દો, 27 જાન્યુઆરીએ ધર્મ-સંસદનું આયોજન…
પ્રયાગરાજ મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સિટીનું મૉડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે રજૂ કરવામાં આવશે. આ માટે સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 13 જાન્યુઆરીએ મૉડલ પ્રદર્શિત કરાશે. સ્ટૉલ પર વિશ્વભરના લોકોને ફિલ્મ સિટીની ભવ્યતા અને તેની ખાસિયતની જાણકારી મળશે . નોયડામાં બનનારી ફિલ્મ સિટી વિશ્વની સૌથી મોટી અને આધુનિક ફિલ્મ સિટી હશે. 21 દેશોમાં ભ્રમણ કર્યા બાદ તેનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સિટીનું મૉડલ અને રિપોર્ટ પ્રથમ વખત પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં પ્રદર્શિત કરવામાં આવશે.