
કોલકાતાઃ પ્રયાગરાજમાં મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 52 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભ દરમિયાન બનેલી કેટલીક દુર્ઘટનાને લઈ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મહાકુંભને લઈ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યો હતો.
શું કહ્યું મમતા બેનરજીએ
મમતા બેનરજીએ કહ્યું, હવે આ મહાકુંભ નથી રહ્યો, મૃત્યુ કુંભ બની ગયો છે. વિધાનસભામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું, મહાકુંભમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. મહાકુંભ પ્રત્યે મને પૂરો આદર, સન્માન અને શ્રદ્ધા છે. પવિત્ર ગંગા માતા પ્રત્યે સન્માન છે પરંતુ તેમણે શું કર્યું, કોઈ આયોજન જ નહોતું, માત્ર માહોલ જ ઉભો કર્યો, કેટલા લોકોના મૃત્યુ થયા છે.
મમતા બેનરજીએ કહ્યું, મહાકુંભ અને મા ગંગાનું સન્માન કરીએ છીએ પરંતુ સત્ય હકીકત એ છે કે સરકારે કુંભ માટે કોઈ વ્યવસ્થા કરી નથી. તેમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તેની કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું, ધનવાનો માટે સ્પેશિયલ કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેનું ભાડું દિવસનું એક લાખ રૂપિયા જેટલું છે પરંતુ ગરીબો માટે કોઈ વ્યવસ્થા નથી. આ પ્રકારના મેળામાં નાસભાગની હંમેશા આશંકા રહેતી હોય છે છતાં સરકારે કોઈ નક્કર વ્યવસ્થા કરી નહોતી. મમતા બેનર્જીનો આ વીડિયો હાલ વાઇરલ થયો છે.