મહાકુંભમાં ફરી લાગી આગ, સેક્ટર-22ના 15 પંડાલ બળીને ખાખ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગને કારણો મોટી દુર્ઘટના ઘટ્યા પછી આજે ફરી આગ અચાનક આગ લાગી હતી. આ આગ સેક્ટર બાવીસમાં લાગી હતી, જ્યાં પંદર પંડાલ આગમાં બળીને ખાખ થઈ ગયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું.
મહાકુંભના સેક્ટરમાં આગ લાગ્યા પછી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. ઘટનાસ્થળે ઉપસ્થિત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર નિયંત્રણમાં લેવામાં આવ્યું હતું, જેમાં મોટી જાનહાનિના સમાચાર મ્યા નથી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગને કારણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. આ આગ માટે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ આગને કારણે લગભગ પંદરેક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. આગ પર નિયંત્રણ માટે ફાયર બ્રિગેડની ટીમને બહુ મહેનત કરવી પડી હતી, ત્યાર પછી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે છતનાગ ઘાટ વિસ્તારમાં પંદર ટેન્ટ આગમાં હોમાયા હતા, પરંતુ એમાં એક ટેન્ટ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું હતું. સ્થિતિ નિયંત્રણમાં છે, જ્યારે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ
અહીં એ જણાવવાનું કે આ અગાઉ કુંભના મેળામાં બે વખત આગ લાગી ચૂકી છે. અગાઉ બે કારમાં આગ લાગવાને કારણે પરિસરમાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે, એમાં કોઈને જાનહાનિ થઈ નહોતી. સમયસર ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઉપરાંત, 19મી જાન્યુઆરીના કુંભમેળાના સેક્ટર 19માં ભીષણ આગ લાગી હતી. એ વખતે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સેંકડો ટેન્ટ બળી ગયા હતા.