પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…

રાજકોટ: હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં આશરે 43 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભને પૂર્ણ થવાના હજુ 16 દિવસ બાકી છે. જો કે પ્રયાગરાજમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવવા માટે હવે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી ગાડી લઈને પહોંચ્યા હોય તે મુદ્દે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
Also read : તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ
રાજકોટના મેયર વિવાદનું કેન્દ્ર
આજે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભના મેળામાં દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા માટે આવી રહ્યા છે. સરકારના આંકડા અનુસાર 3 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 43 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન, મુખ્ય પ્રધાન સહિતના લોકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે ત્યારે હવે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા વિવાદનું કેન્દ્ર બન્યા છે. કારણે કે રાજકોટ મેયર RMC મેયરની પ્લેટ લગાવેલી સરકારી ગાડી લઇને મહાકુંભ પહોંચતા વિવાદ શરૂ થયો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી સ્પષ્ટતા
આ વિવાદ બાદ વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું હતું કે પ્રજાના પૈસે પાપ ધોવા ગયા છે. સમગ્ર વિવાદ સર્જાયા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે મેયર નિયમ મુજબ જ કમિશનરની મંજૂરી મેળવીને મેયર કુંભમેળામાં ગયા છે. તેમણે કહ્યું હતું કે મેયર જ્યારે સરકારી વાહન લઈને અંગત પ્રવાસ પર જાય છે, ત્યારે મનપામાં ઠરાવ અનુસાર પ્રતિ કિમી 2 રૂપિયા ચૂકવવાના હોય છે.
Also read : મહાકુંભમાં રાહુલ ગાંધીની હિંદુ ધર્મમાંથી બહિષ્કાર કરવાની માગ ઉઠી
પ્રજાનાં પૈસે અગ્નિકાંડનાં પાપ ધોવા આવ્યા
સરકારી ગાડીમાં મેયરના પ્રવાસને લઈને વિપક્ષે આક્ષેપ કર્યા છે. તે ઉપરાંત સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે, જેમાં મેયરની ગાડી ઉપર કપડાં સૂકવવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષે પ્રશ્ન કર્યો હતો કે શુ તેમને કપડાં સૂકવવા અન્ય કોઈ જગ્યા મળી નહીં ? તે ઉપરાંત ભાડાની કિંમતને લઈને પણ વિરોધ પક્ષે સવાલ કર્યા છે. વિપક્ષે કહ્યું કે બજારમાં ભાડાનો ભાવ પ્રતિ કિ.મી ઓછામાં ઓછા 10 રૂપિયા ચાલે છે, પરંતુ ત્યારે માત્ર 2 રૂપિયા ચૂકવીને પ્રવાસ કરવો એ પ્રજાના પૈસાના દુરુપયોગ છે.