Mahakumbh: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ડૂબકી લગાવ્યા પછી શેર કરી મહત્ત્વની પોસ્ટ…

બોલીવુડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં સક્રિય જોવા મળતી નથી. આ દરમિયાન તે પોતાના પરિવાર અને બાળકોને પૂરો સમય આપતી જોવા મળે છે. તે પોતાના પરિવાર સાથે ક્યારેક શિમલામાં તો ક્યારેક લંડનમાં ખાસ પળો વિતાવતી હતી. તે માત્ર આઇપીએલ દરમિયાન જ જોવા મળતી હતી, પરંતુ હવે અભિનેત્રી પુનરાગમનની તૈયારી કરી રહી છે.
આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે. પ્રીતિ ખુલ્લેઆમ લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરી રહી છે. તાજેતરમાં તેણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લીધો હતો. અભિનેત્રી સંપૂર્ણ ભગવા પોશાકમાં જોવા મળી હતી અને ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યું હતું. હવે, મહાકુંભના છેલ્લા દિવસે તેની ઝલક શેર કરતી વખતે પ્રીતિ ઝિન્ટાએ એક લાંબી એક્સ-પોસ્ટમાં પોતાનો અનુભવ અને લાગણી શેર કર્યા હતા.
અભિનેત્રીએ લખ્યું કે તે ત્રીજી વખત કુંભ મેળામાં આવી હતી અને તે જાદુઈ, હૃદયસ્પર્શી અને થોડું ઉદાસીભર્યું હતું. ‘જાદુઈ એટલા માટે કારણ કે હું ગમે તેટલો પ્રયત્ન કરું છું, હું સમજાવી નથી શકતી કે મને કેવું લાગ્યું. હૃદયસ્પર્શી કારણ કે હું મારી માતા સાથે ગઈ હતી અને તેમના માટે તે આખી દુનિયાથી મહત્વનું હતું. ઉદાસીભર્યું કારણ કે હું જીવન અને મૃત્યુના વિવિધ ચક્રમાંથી મુક્ત થવા મંગુ છું, પરંતુ મને જીવન અને આસક્તિના દ્વૈતનો અહેસાસ થયો. શું હું મારા પરિવાર, મારા બાળકો અને મારા પ્રિયજનોને છોડવા તૈયાર છું? ના! હું તૈયાર નથી!’
આ પણ વાંચો: મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્ય પ્રદેશમાં હુમલો
તેણે વધુમાં લખ્યું હતું કે આખરે તમારી આધ્યાત્મિક યાત્રા અને આગળની યાત્રા એકલા જ કરવાની છે, ભલે તમારા બંધનો ગમે તેટલા મજબૂત હોય. આ અહેસાસ તમને નમ્ર બનાવનારો હોય છે. હું એ વિશ્વાસ સાથે પછી આવી કે આપણે આધ્યાત્મિક અનુભવ ધરાવતા મનુષ્યો નથી પરંતુ માનવ અનુભવ ધરાવતા આધ્યાત્મિક માણસો છીએ. હું માનું છું કે, મારી જિજ્ઞાસા મને તેના ચોક્સ ઉત્તર સુધી લઇ જશે. ત્યાં સુધી, હર હર મહાદેવ’
હવે પ્રીતિ ઝિન્ટા લાંબા બ્રેક બાદ ફિલ્મોમાં વાપસી કરવા માટે તૈયાર છે. અભિનેત્રી ટૂંક સમયમાં આમિર ખાનના પ્રોડક્શનની ‘લાહોર ૧૯૪૭’માં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં શબાના આઝમી અને અલી ફઝલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં આમિર ખાનનો કેમિયો પણ જોવા મળશે. ફિલ્મની રિલીઝને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું કાસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ સુધી તેનું શૂટિંગ શરૂ થયું નથી.