મહાકુંભ પૂર્ણતાને આરેઃ શિવરાત્રીના સ્નાન માટે તડામાર તૈયારી, વીડિયો વેચનારા પર તવાઈ

પ્રયાગરાજઃ આખું વિશ્વ જેને જોતું રહ્યું તેવા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળા-2025 હવે પૂર્ણતાને આરે આવી રહ્યો છે. માત્ર આજનો દિવસ ગણીએ તો માત્ર ત્રણ જ દિવસ સમાપ્તિ આડે છે. જોકે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા હજુ એટલી જ છે અને માત્ર ભારત નહીં વિેદશોમાંથી પણ લોકો મોટા પ્રમાણમાં આવે છે.
આ 23 દિવસોમાં રોજ એક કરોડે લગાવી આસ્થાની ડૂબકી
ત્રિવેણી સંગમ ખાતે કેટલા લોકો પવિત્ર ડૂબકી લગાવે છે તેના આકંડા વ્યવસ્થાપકોએ આપ્યા છે. સ્થાનિક તંત્રએ લોકોની સંખ્યા ગણવાની ખાસ કરેલી વ્યવસ્થા બાદ લગભગ 60 કરોડ લોકો મહાકુંભના દર્શને આવી ચૂક્યા છે. શનિવાર એટલે કે 22 ફેબ્રુઆરીએ મળેલા આંકડા અનુસાર 41 દિવસમાં 23 દિવસ તો એવા છે જ્યારે એક જ દિવસમાં એક કરોડ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો અને આસ્થાની ડૂબકી લગાવી.
મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા સ્નાન સાથે થઈ હતી. આ રીતે શનિવાર સુધી 41 દિવસ વીતી ગયા છે. આ 41 દિવસોમાંથી 23 દિવસે એક કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. જ્યારે સાત ખાસ દિવસોમાં સંગમમાં બે કરોડ લોકોએ એક દિવસમાં સ્નાન કર્યું હતું.
અહીં એ પણ નોંધનીય છે કે 26 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરીની વચ્ચે એટલે કે 28માંથી 21 દિવસમાં એક કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું, તેમ સ્થાનિક પ્રશાસનના આંકડા જણાવે છે.
શનિવારે મહાકુંભમાં સ્નાન કરનારાઓની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ છે. આ સાથે વિશ્વભરના 50 ટકાથી વધુ સનાતનીઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ પ્યુ રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતમાં 110 કરોડ સનાતની લોકો છે, જેમાંથી લગભગ 60 કરોડ કુંભમેળામાં આવી ચૂક્યા છે.