મહાકુંભ 2025

મહાકુંભમાં અત્યાર સુધી 40 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી સંગમમાં ડૂબકી…

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવનારા સાધુ, સંતો, ભક્તો અને કલ્પવાસીઓની સંખ્યા 40 કરોડને પાર થઈ ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારે સવાર સુધીમાં 40 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને માત્ર શુક્રવારે સવારે 10 વાગ્યા સુધી જ 42.07 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પવિત્ર સ્નાન કર્યું હતું.

Also read : મહાકુંભઃ આજથી 13 અખાડા લેશે વિદાય, પોતાની ધ્વજાઓ નીચે ઉતારવાનું કર્યું શરુ

મહાકુંભમાં સ્નાન કરનારની સંખ્યા 50 કરોડને પાર

મહા કુંભ મેળાને સમાપ્ત થવામાં હજુ 19 દિવસ બાકી છે અને સરકારનો અંદાજ છે કે ડૂબકી લગાવનારા ભક્તોની સંખ્યા 50 કરોડને પાર કરી શકે છે. ત્રણેય અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ ભક્તોના જોશ અને ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાંથી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં જિલ્લા વહીવટીતંત્રે 12 ફેબ્રુઆરી સુધી માધ્યમિક શાળાના વર્ગો ઓનલાઈન માધ્યમથી ચલાવવાનું નક્કી કર્યું છે જેથી વિદ્યાર્થીઓને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. નિવેદન અનુસાર, “મૌની અમાવસ્યા પર મહત્તમ આઠ કરોડ ભક્તોએ ડૂબકી લગાવી હતી, જ્યારે મકરસંક્રાંતિના અવસરે 3.5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું.

બે કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન

1 ફેબ્રુઆરી અને 30 જાન્યુઆરીએ બે કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું અને પોષ પૂર્ણિમાના રોજ 1.7 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. વસંત પંચમીના દિવસે 2.57 કરોડ ભક્તોએ ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (કેબિનેટ સહિત) મહાકુંભમાં અત્યાર સુધીમાં સંગમમાં સ્નાન કરનારા વીઆઇપીમાં સામેલ છે.

CM ભૂપેન્દ્ર પટેલે કર્યું પવિત્ર સ્નાન

આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા કર્યું હતું. તેમણે આ પૂર્વે બડે હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે કુંભની વ્યવસ્થાની પણ પ્રસંશા કરી હતી.

Also read : Mahakumbh 2025: બાગેશ્વર બાબાએ મોક્ષ વાળા નિવેદન પર કરી સ્પષ્ટતા, કહી આ વાત

આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આનંદી બેન પટેલ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની, મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, શ્રીપદ નાઈક, બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદી, રાજ્યસભાના સભ્ય સુધા મૂર્તિ સહિત ઘણા લોકો સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button