મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
પ્રયાગરાજ: આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સૌથી મોટા સંગમ સમાન મહાકુંભ મેળાની આજે પોષી માસની પૂર્ણિમાના દિવસથી પ્રારંભ થયો છે. ભારતની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિદેશીઓને ભારત તરફ ખેંચતી રહી છે. ત્યારે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભમાં બની રહેલા સમુદ્ર મંથન યોગના સમયે અમૃત સ્નાનમાં સહભાગી થવા માટે માત્ર ભારતથી જ નહીં પણ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.
આ પણ વાંચો: Mahakumbh 2025 : મહાકુંભ મેળાનો 13 જાન્યુઆરીથી થશે પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખ અને મહત્વ
ઠંડીની ઋતુ હોવા છતાં લાખો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. અહી ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી નદીનું પવિત્ર સંગમ સ્થાન છે. મહાકુંભમાં શામેલ થવા માટે માત્ર ભારતથી જ નહિ પણ રશિયા, બ્રાઝિલ, ઇટલી, સાઉથ આફ્રિકા, જર્મનીસહીતના અનેક દેશોથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
આઈ લવ ઈન્ડિયા
મહાકુંભમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકાથી આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું કે અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે અને લોકો ખુશ અને મૈત્રીપૂર્ણ છે. આ બધું દર્શાવે છે કે મહાકુંભ માત્ર ભારતનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ છે. તેમણે “આઈ લવ ઈન્ડિયા” કહીને ભારત પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.
ભારત વિશ્વની આધ્યાત્મિકતાનું હૃદય
બ્રાઝિલથી આવેલા શ્રદ્ધાળુ ફ્રાન્સિસ્કોએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘હું પહેલી વાર ભારત આવ્યો છું… હું યોગનો અભ્યાસ કરું છું અને મોક્ષ શોધી રહ્યો છું.’ અહીં આવીને મને ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે. ભારત વિશ્વની આધ્યાત્મિકતાનું હૃદય છે. નદીનું પાણી ઠંડું છે, પણ સ્નાન કર્યા પછી હૃદય હૂંફથી ભરાઈ જાય છે.
હું ખૂબ ભાગ્યશાળી છું
જ્યારે સ્પેનથી કુંભમાં પધારેલા અન્ય એક શ્રદ્ધાળુએ કહ્યું કે અહી ડૂબકી લગાવીને હું પોતાને ખૂબ ભાગ્યશાળી અનુભવું છું. ‘અમારા સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલના અહીં ઘણા મિત્રો છે. અમે એક આધ્યાત્મિક યાત્રા પર છીએ.’ મેં પવિત્ર સ્નાન કર્યું અને તેનો ભરપૂર આનંદ માણ્યો; હું ખૂબ ભાગ્યશાળી છું.