ભારે ગંભીર પ્રકરણઃ મહાકુંભમા સ્નાન કરતી મહિલાઓના ફોટા-વીડિયોનો ધંધોઃ બે સામે ફરિયાદ

પ્રયાગરાજઃ ગુજરાતના રાજકોટની પાયલ હૉસ્પિટલે દરદી મહિલાઓના વીડિયો વેચવાનો ધંધો કર્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે ત્યારે તેના કરતા પણ ગંભીર પ્રકરણ પ્રયાગરાજથી બહાર આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ તાજેતરમાં વિશ્વભરના આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે એક ચોંકાવનારી ખબરે આખા દેશને હચમચાવી નાખ્યો છે.
અહીં સંગમમાં પવિત્ર સ્નાન કરનારી મહિલાઓના ફોટા અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એટલું જ નહીં તેને ટેલિગ્રામ પર વેચવાનો મામલો પણ બહાર આવ્યો છે.
સ્નાન કરતી મહિલાઓ અને વસ્ત્રો બદલતી મહિલાઓના ફોટા અને વીડિયો 200-500 રૂપિયામાં વેચાતા હોવાનો મામલો પણ પોલીસ ચોપડે નોંધાયો છે.
પોલીસે આવી ખબરો મળતા તપાસ હાથ ધરી છે અને @neha1224872024 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સામે કેસ નોંધ્યો છે. આ ઉપરાંત બીજા એક અકાઉન્ટ સામે પણ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો…પરીક્ષાનું ટેન્શન ખતમ, CBSE ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યું મોટું અપડેટ
મહાકુંભમાં દેશ-વિદેશની લાખો મહિલાઓ રોજ સ્નાન કરે છે. મહિલાઓની સુરક્ષાના પૂરતા પગલાં પણ ઉત્તર પ્રદેશ સરકારે ભર્યા છે.
પોતાના સર્વેલન્સ રૂમમાં મોનિટરિંગ કરતા પોલીસકર્મીઓના ધ્યાનમાં આ વાત આવતા તેમણે તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ મેટા સાથે પણ વાત કરી છે અને જેવી આ અકાઉન્ટ હોલ્ડરની માહિતી મળે તેવી જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.