ભારે ઠંડીને કારણે મહાકુંભમાં એક સંતનું નિધનઃ ઓપીડીમાં પણ ઊભરાઈ છે દરદીઓની ભીડ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ મેળામાં ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે. અહીં આવેલા લોકોના રહેવા માટે, ખાણીપીણી માટે અને સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની લહેર ચાલી રહી છે. મહાકુંભના પહેલા સ્નાન પર્વ પર લાખો લોકો ત્રિવેણી સંગમ પર શ્રદ્ધા અને આસ્થાની ડુબકી લગાવવા પહોંચ્યા હતા. જોકે, ભારે ઠંડીની ઝીંક ઝીલવી બધા માટે શક્ય નહોતી. અહીંની ભારે ઠેડી અને એમાં પણ નદીના ઠંડાગાર બરફ જેવા પાણીમાં ડુબકી લગાવવી ઘણી અઘરી છે. અનેક લોકો આસ્થાના સંગમમાં ભાગ લેવા હોંશભેર અહીં આવ્યા તો છે, પણ અહીંની ભારે ઠંડીને કારણે તેઓ માંદા પડી ગયા છે. હજારો લોકો કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા અને ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર માટે પહોંચ્યા હતા. જોકે, તેમાં એક 85 વર્ષીય અર્જુન ગીરી મહારાજને હાર્ટ એટેક આવતા તેમને નજીકના સારવાર કેન્દ્રમાં લઇ જવામાં આવી રહ્યા હતા, પણ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
એસઆરએન હૉસ્પિટલના પ્રવક્તાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાજને સાંજે છ વાગે એમ્બ્યુલન્સમાં ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યા હતા, પણ જ્યારે તેમને તપાસવામાં આવ્યા ત્યારે જાણ થઇ હતી કે હૉસ્પિટલમાં પહોંચતા પહેલા જ તેમનું મૃત્યું થયું હતું. મહારાજના શિષ્યો તેમને હૉસ્પિટલમાં મૂકીને રવાના થઇ ગયા હતા. અર્જુન ગીરી મહારાજના પાર્થિવ શરીરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
ત્રિવેણી સંગમ નગરી પ્રયાગ રાજમાં લોકોની ભારે ભીડ છે. એવામાં અહીં ઠંડી પણ ઘણી છે. કેટલાય સેક્ટરમાં 3000થી વધુ લોકો બીમાર થઇને સારવાર માટે આવ્યા હતા. જોકે, લોકોની સારવાર અને ઇલાજ માટે અહીં પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી લોકોને તુરંત તબીબી સહાય મળી રહી છે. જોકે, આ આર્થાના પર્વમાં ભાગ લેવા માટે અબાલ, વૃદ્ધ, મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. આ બધા સખત ઠંડીનો માર ઝીલવા સમર્થ નથી હોતા. તેથી તેઓ મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે. સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડૉક્ટરો પણજણાવી રહ્યા છે કે તેમની પાસે દવા અને સારવાર માટે આવતા મોટા ભાગના લોકો બાળકો, મહિલાઓ અને વૃદ્ધો છે. તેઓ શરદી, તાવ, પેટમાં દુખાવો, ખાંસી, ઉલટી જેવી જુદી જુદી સમસ્યા લઇને તેમની પાસે આવી રહ્યા છે.
આ પણ વાંચો…ઝાંસી રેલવે સ્ટેશન પર મચી નાસભાગઃ સદનસીબે અકસ્માત ટળ્યો…
મહાકુંભમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પૂર્વ મેયર અને એનસીપીના નેતા મહેશ કોઠેનું પણ નિધન થયું હોવાની જાણકારી મળી છે. મહેશ કોઠે ત્રિવેણી સંગમમાં સ્નાન માટે ગયા હતા. તેમણે ત્યાં સ્નાન કર્યું હતું, પણ ત્યાર બાદ ભારે ઠંડીને કારણે તેમનો રક્ત પ્રવાહ જામી ગયો હતો અને તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.