મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી

પ્રયાગરાજઃ મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મેળાની સમાપ્તિ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન વહીવટી અને તબીબી વાહનો સિવાયના અન્ય વાહનોને મેળા વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆઈજીના કહેવા મુજબ, વાહનોને મેળા વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે. મહાશિવરાત્રી પર અક્ષયવટના દર્શન બંધ રહેશે.
મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ પવિત્રસ્નાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક ગુજરાતીઓ મહાશિવરાત્રીએ પવિત્ર સ્નાન કરવા સંગમ પહોંચ્યા છે. કાશીથી અયોધ્યા તરફના રોડ પર લાંબો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. મોટાભાગના રસ્તાઓ બ્લોક થઇ ગયા છે.કુંભમાં જતા લોકોની ભીડ વધી જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. પ્રયાગરાજ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ ધીમે ધીમે વાહનોને બહાર કાઢી રહી છે. ભીડને જોતા તંત્રએ આજ સાંજથી 6 વાગ્યાથી પ્રયાગરાજ કમિશનરેટ એટલે કે શહેરને નો-વ્હીકલ ઝોન જાહેર કર્યો છે. સાંજથી કોઇ પણ વાહન શહેરમાં એન્ટ્રી નહીં કરી શકે. ભીડને જોતા મંગળવાર સવારથી જ પ્રયાગરાજ પહોંચનાર ગાડીઓને સંગમમાંથી 10 કિલોમીટર પહેલા જ પાર્કિગમાં રોકવામાં આવી રહી છે.
કુંભ મેળા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, તંત્રએ તમામ લોકોને દિશા નિર્દેશોનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ આપવાનો આગ્રહ કર્યો હતો. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળામાં છેલ્લું શાહી સ્નાન અને મહાશિવાર્તીનો તહેવાર બંને એક સાથે છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમેટશે. જેથી શ્રદ્ધાળુઓને તેમના નજીકના ઘાટ પર સ્નાન કરવા અને મુખ્ય તીર્થ સ્થાન પર ભીડથી બચવા માટે સ્થાનિક શિવ મંદીરમાં પૂજા કરવાની સલાહ આપવામાં આવી હતી.
આ પણ વાંચો…અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળો 13 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપન થશે.