26મીએ મહાકુંભની સમાપ્તિ, પરંતુ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને આ સુવિધા લાંબો સમય મળતી રહેશે

પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાનો માનવ મહેરામણ ઉમટેલો જોવા મળી રહ્યો છે. દેશવિદેશથી લોકો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે. લોકોના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવું પ્રશાસન માટે પણ મુશ્કેલ કાર્ય બની રહ્યું છે. 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી શરૂ થયેલો આ મહાકુંભ હવે ધીમે ધીમે 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના રોજ છેલ્લા સ્નાન સાથે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ મેળાને થોડો સમય લંબાવવાની માગ કરી છે.
અત્યાર સુધી મહાકુંભમાં 55થી 60 કરોડ લોકો પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા ખતમ થવાનું નામ નથી લઇ રહી. પૂર્ણાહુતિને આરે પહોંચી ગયેલા મહાકુંભમાં અત્યારે પણ શ્રદ્ધાળુઓનું કિડિયારું ઉભરાતું જોવા મળી રહ્યું છે. ભારે ભીડને જોઇને કુંભ મેળાને લંબાવવાની માગણી જોર પકડી રહી છે અને અખિલેશ યાદવે સંસદમાં આ માગણી ઉઠાવીને તેને વેગ આપવાનું કામ કર્યું છે. જોકે, જિલ્લા મેજિસ્ટ્રેટે મેળાને લંબાવવાની માગ ફગાવી દીધી છે.
સાધુ, સંતો અને મહાત્માઓ મહાકુંભની ખાસ તિથિઓનું મહત્વ સમજાવે છે અને કહે છે કે મહાકુંભ કોઇ માનવીય નિયમોને આધારિત નથી. મહાકુંભના નિયમો સૂર્યમંડળના ગ્રહો અને તારાઓની વિશેષ સ્થિતિથી નક્કી થાય છે. ગ્રહો અને તારાઓની વિશેષ સ્થિતિ જ મહાકુંભના આયોજન અને પૂર્ણાહુતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ત્યારે યોજાય છે, જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાંથી બહાર નીકળે ત્યારે મહાકુંભ પૂર્ણ થાય છે. આ તારીખ અને સમયનું ઘણું મૂલ્ય છે. તેથી મહાકુંભને લંબાવી શકાતો નથી.
શ્રદ્ધાળુઓને આ સુવિધા મળતી રહેશેઃ-
મહાકુંભ માટે પ્રયાગરાજમાં ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવેલું છે. તેમાં 26 ફેબ્રુઆરી સુધીના જ બુકીંગ લેવામાં આવ્યા છે. મહાશિવરાત્રિ બાદ કોઇ બુકિંગ લેવામાં આવ્યા નથી. જોકે, ખાનગી ટેન્ટ સિટીવાળાઓ મહાશિવરાત્રિ બાદના પણ બુકિંગ લઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે મહાશિવરાત્રિ બાદ પણ એક અઠવાડિયા સુધી અહીં ટેન્ટ મળવો મુશ્કેલ છે. બધા જ ટેન્ટ ફૂલ છે.
Also read: મહાકુંભમાં હેલિકૉપ્ટર રાઈડને નામે છેતરપિંડી: બિહારની ટોળકી પકડાઈ
મહાકુંભના આયોજન માટે યુપી સરકારે ગ્રીન ટ્રિબ્યુનલની 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીની પરવાનગી લીધી છે. ત્યાર બાદ 15 દિવસમાં અહીંની બધી કામચલાઉ વ્યવસ્થા દૂર કરવામાં આવશે. તેથી જો અગર સરકાર મહાકુંભ મેળાને લંબાવવાનો નિર્ણય પણ લે તો તેમને ગ્રીન ટ્રિબ્યુનલની ફરીથી મંજૂરી લેવી પડશે.
મહાકુંભ મેળાની વ્યવસ્થા સંભાળતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ઔપચારિક રીતે મહાશિવરાત્રિના દિવસે મહાકુંભ મેળાનું સમાપન થઇ જશે. જોકે, ત્યાર પછી પણ સંગમ તીર્થ પર અને પરેડ ગ્રાઉન્ડ પર સુરક્ષા, પાણી, પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ બધાને દૂર કરવામાં એકાદ મહિના જેટલો સમય લાગી જશે. ત્યાં સુધી અહીં આવતા ભક્તોને આ બધી સુવિધા મળતી રહેશે.