
પ્રયાગરાજ: મહાકુંભ 2025ને લઈને ભારતીય રેલ્વેએ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પ્રદાન કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકારક તબીબી સંભાળ પૂરી પાડવા માટે આ સુવિધાઓ 24×7 ઑબ્ઝર્વેશન રૂમ સાથે પ્રદાન કરવામાં આવી છે. ગયા મહા કુંભ દરમિયાન, 1 લાખ શ્રદ્ધાળુઓને પ્રથમ તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી, અને આ વખતે રેલ્વે મોટી સંખ્યામાં મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.
મહાકુંભ દરમિયાન મુસાફરોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ જંક્શન, સુબેદારગંજ, નૈની જંક્શન અને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર ઑબ્ઝર્વેશન રૂમ સ્થાપિત કર્યા છે. આ રૂમમાં ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ હંમેશા હાજર રહેશે. તમામ જરૂરી તબીબી સાધનો અહીં ઉપલબ્ધ હશે જેથી મુસાફરોને ઝડપી સારવાર મળી શકે.
કઈ કઈ સુવિધાઓ હશે ઉપલબ્ધ?
ECG મશીન: હૃદય સંબંધિત સમસ્યાઓની ઝડપી તપાસ માટે.
ડિફિબ્રિલેટર: હૃદય બંધ થાય ત્યારે તેને સામાન્ય બનાવવા માટે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર: ઓક્સિજનના ઘટાડાનો સામનો કરવા માટે.
ગ્લુકોમીટર: બ્લડ સુગર માપવા માટે, જે ડાયાબિટીસથી પ્રભાવિત લોકો માટે જરૂરી છે.
સ્ટેશન પર તબીબી સ્ટાફ તૈનાત
પ્રયાગરાજ જંકશન, સુબેદારગંજ, નૈની સહિતના મુખ્ય સ્ટેશનો પર ઓબ્ઝર્વેશન રૂમની સ્થાપના કરવામાં આવી છે, જેને લઈને તબીબી સ્ટાફની તૈનાતતી કરવામાં આવી છે. જેમાં 15 સ્ટાફ નર્સ, 12 ફાર્માસિસ્ટ, 12 હોસ્પિટલ એટેન્ડન્ટ (HA) અને 15 હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ (HKA)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…દિલ્હીમાં સાવરકરના નામે કોલેજના શિલાન્યાસને લઈને ગરમાયું રાજકારણ; કોંગ્રેસ-ભાજપ આમને સામને
રેલવે સ્ટેશનો પર 24×7 તબીબી સેવાઓ ઉપલબ્ધ
તમામ શિફ્ટમાં તબીબી સેવાઓ સરળતાથી ચાલે તે માટે આ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. દરેક શિફ્ટનો સમય 8 કલાકનો રહેશે. મહાકુંભ દરમિયાન રેલવે સ્ટેશનો પર 24×7 તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે. જ્યારે પણ કોઈપણ મુસાફરને તબીબી સહાયની જરૂર પડશે, ત્યારે તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ સાથે રેલવે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો સાથે સંકલન જાળવી રાખશે જેથી કોઈ પણ દર્દીને જરૂર પડ્યે તાત્કાલિક રીફર કરી શકાય.