
લખનૌ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભ મેળો(Mahakumbh 2025)સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે હવે પ્રયાગરાજમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા મોટા સ્નાન માટે વહીવટીતંત્રએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જેની માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે મહાકુંભનગરની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજની મુલાકાતે
આ ઉપરાંત મહાશિવરાત્રિના મોટા સ્નાન માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજની મુલાકાત લેવાના છે અને તૈયારીઓની સમીક્ષા કરશે. જ્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.16 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 59 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવ્યા છે અને ગંગા અને સંગમમાં સ્નાન કર્યું છે.
ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન
મહાશિવરાત્રિના સ્નાનની તૈયારી અંગે ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અમે ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન અને ભક્તો માટે સરળ આવન જાવન માટે વ્યાપક વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમારો સતત પ્રયાસ એ છે કે ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
Also read:Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ
વાતાવરણને બગાડવાનો કોઈપણ પ્રયાસ સાંખી નહિ લેવાય
આ ઉપરાંત મહાકુંભના વાતાવરણને બગાડવાનો કોઈપણ પ્રયાસ અટકાવવા માટે રાજ્ય સરકાર સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અધિકારીઓ આવી પ્રવૃત્તિઓ પર સક્રિયપણે નજર રાખી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે પચાસથી વધુ એફઆઈઆર કરવામાં આવી છે.
ડીજીપી પ્રશાંત કુમારે બોટ દ્વારા સંગમ ઘાટનું નિરીક્ષણ કર્યું
પ્રયાગરાજમાં રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારે બોટ દ્વારા સંગમ ઘાટનું નિરીક્ષણ કર્યું, સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓને વધુ સૂચનાઓ આપી. મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે પવિત્ર ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળા, મહાકુંભમાં લગભગ 59 કરોડ ભક્તોએ ભાગ લીધો છે. તેમણે કહ્યું કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં છે જેમાં દરરોજ એક કરોડથી વધુ ભક્તો આવે છે.