યુપી સરકારે મહાકુંભના આયોજનમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો ખર્ચ
![](/wp-content/uploads/2025/02/mahakumbh-1-2-780x470.jpeg)
લખનઊઃ હાલમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકની હાજરીમાં અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઉત્તર પ્રદેશના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો કે કુંભ અને મહાકુંભ જેવા આયોજનો ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપે છે, મહાકુંભના આયોજનને કારણે રાજ્યની અર્થવ્યવસ્થામાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે મહાકુંભના આયોજન પાછળ રૂ. 1,500 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. જોકે, આ રકમ માત્ર મહાકુંભના આયોજન માટે જ નહીં, પણ પ્રયાગરાજ શહેરના વિકાસ માટે પણ ખર્ચવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો 1500 કરોડ રૂપિયાના ખર્ચના બદલામાં યુપીના અર્થતંત્રને 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય તો તે સારું જ છે.
યોગી આદિત્યનાથે એમ પણ જણાવ્યું હતું કે પહેલા લોકો સરળતાથી કુંભ મેળામાં પહોંચી શકતા નહોતા, પણ આ વખતે 50થી 55 કરોડ લોકો મહાકુભમાં આવ્યા છે. ડબલ એન્જિનની સરકારના પ્રયત્નોથી યુપીની અર્થવ્યવસ્થા પણ સુધરી છે.
આ પ્રસંગે નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મહાકુંભે 3 લાખ કરોડ રૂપિયાના જીડીપી વૃદ્ધિ દરમાં ફાળો આપ્યો છે. આ મેળાથી ટેક્સી ડ્રાઇવરો, રિક્ષાચાલકો, ખાણીપીણીના સ્ટોલ વગેરે ક્ષેત્રે રોજગારની પુષ્કળ તક મળી છે.
આ પણ વાંચો : મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
આ પ્રસંગે હાજર રહેલા રાજનાથ સિંહે લખનભના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો અને નીતિન ગડકરી તેમજ યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે લખનઊના વિકાસના સૂત્રધાર આ બંને નેતા છે. યોગી આદિત્યનાથના પ્રતિનિધિત્વમાં ઉત્તર પ્રદેશને એક નવી દિશા મળી છે અને તે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.