મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, આજે 360થી વધુ ટ્રેન દોડાવાશે
રેલવેએ સ્પષ્ટતા કરતાં કહ્યું, કોઈ સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવામાં આવી નથી
નવી દિલ્હીઃ મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં (prayagraj) ચાલી રહેલા મહાકુંભમાં (mahakumbh) મચેલી નાસભાગને લઈ રેલવે (Indian railway) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવેના ટોચના અધિકારીઓ અનુસાર પ્રયાગરાજ મહાકુંભ માટે કોઈ સ્પેશિયલ ટ્રેનને રદ્દ કરી નથી. તમામ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ રહેશે. રેલવેએ પ્રયાગરાજથી ઇવૅક્યુએશન પ્લાન (જોખમી જગ્યાએથી ખસેડવુ) બનાવ્યો છે. જે અંતર્ગત અનેક ખાલી ટ્રેન પ્રયાગરાજ મોકલવામાં આવશે. દર ચાર મિનિટે એક ખાલી ટ્રેન દોડાવવામાં આવશે અને શક્ય તેટલા શ્રદ્ધાળુઓને લઈ જવાશે. રેલવે મંત્રાલયે કહ્યું, આજે પ્રયાગરાજના વિવિધ સ્ટેશનોથી 360થી વધુ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી છે. કોઈ સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવાની યોજના નથી.
આ પહેલા પંડિત દીનદયાળ જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન રોકી દેવામાં આવી હોવાનો સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત ઘણી ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પંડીત દીનદયાળ ઉપાધ્યાય રેલ ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક મનીષ કુમારે જણાવ્યું કે, સ્પેશિયલ ટ્રેનનું સંચાલન આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન હાલ અસ્થાયી રીતે બંધ રહેશે. રેગ્યુલર ટ્રેન શરૂ રહેશે. પ્રયાગરાજમાં ભીડ હોવાના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. પ્રયાગરાજ જંકશન પર રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તંત્ર દ્વારા હજુ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. સત્તાધીશોના જણાવ્યા મુજબ, મેળા વિસ્તારમાં કેટલીક મહિલાઓના શ્વાસ રૂંધાવાના કારણે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ એક ઉપર એક મહિલાઓ અને પુરુષો પડ્યા. બેરીકેટ તૂટ્યા અને આશરે 25 લોકો ઘાયલ થયા. નાસભાગની સૂચના મળતાં જ 50થી વધારે એમ્બ્યુલેંસ સંગમ તટ પર પહોંચી હતી અને ઘાયલોને અલગ અલગ હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવા પર ધ્યાન ન આપવા જણાવાયું છે.
Also read: મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન
ઘટના બાદ સરકારે ડ્રોન વીડિયો જાહેર કરીને સંગમમાં સ્થિતિ સામાન્ય હોવાનું અને લોકો સ્નાન કરી રહ્યા હોવાનું બતાવ્યું હતું. મેળા વિસ્તારમાં ચારે બાજુ ભીડ જ જોવા મળી રહી છે. પ્રશાસન સતત લોકોને જ્યાં હોય ત્યાં જ થોભી જવા વિનંતી કરી રહ્યું છે. અનેક સાધુ સંતો દ્વારા પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.