Mahakumbh 2025 : મહાકુંભ મેળાનો 13 જાન્યુઆરીથી થશે પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખ અને મહત્વ
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજનારા મહાકુંભને(Mahakumbh 2025)લઇને તૈયારીઓ આખરી તબક્કામાં છે.પ્રયાગરાજમાં આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે જે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. કુંભ મેળાનું મહત્વ ફક્ત ધાર્મિક જ નથી પરંતુ તેનો જ્યોતિષીય આધાર પણ છે. આ મેળો ધાર્મિકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે.
કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે
ભારતમાં મહા કુંભ મેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે
જેમાં એક માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
શાહી સ્નાનના મહત્વને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા
પ્રયાગરાજના મહાકુંભમાં શાહી સ્નાનના મહત્વને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન દરમિયાન ચાર જગ્યાએથી ભક્તોને મેળા વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે. તેઓ કાલી રોડ થઈને સંગમ જઈ શકશે. જ્યારે તેઓ ત્રિવેણી માર્ગ થઈને પરત ફરી શકશે. આ જ સિસ્ટમ 13 મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા અને 14મીએ મકરસંક્રાંતિ પર લાગુ થશે.
પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરીએ
મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન આવતીકાલે 13 જાન્યુઆરીએ પૂર્ણિમાના શુભ અવસર પર થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, પૂર્ણિમા તિથિ 13 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે સવારે 5. 03 વાગ્યે શરૂ થશે અને ૧૪ જાન્યુઆરીએ સવારે 3.56 વાગ્યે સમાપ્ત થશે.
શાહી સ્નાનનું મુહૂર્ત
- બ્રહ્મ મુહૂર્ત – સવારે 5.27 થી 6.21 સુધી રહેશે
- સવાર સાંજનો સમય – સવારે 5.54 થી 7.15 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત – બપોરે 2:15 થી 2:57 વાગ્યા સુધી
- સંધ્યાકાળનો સમય – સાંજે 5:42 થી 6:09 વાગ્યા સુધી
144 વર્ષ પછી મહાકુંભ મેળામાં શુભ સંયોગ
આ વખતે મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જે સમુદ્ર મંથન સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. જે દરમિયાન દેવતાઓ અને દાનવો અમૃત માટે લડ્યા હતા. આ દિવસે, સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહો એક શુભ સ્થિતિ બનાવી રહ્યા છે જે સમુદ્ર મંથન દરમિયાન પણ બની હતી.
ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે
આ ઉપરાંત મહાકુંભ પર રવિ યોગ બનવાનો છે. રવિ યોગ 13 જાન્યુઆરી સવારે 7:15 વાગ્યે શરૂ થશે અને 10:38 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે ભાદ્રવ યોગનો પણ સંયોગ બની રહ્યો છે અને આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
મહાકુંભના છ શાહી સ્નાનની તારીખ અને સમય
પ્રયાગરાજ કુંભ મેળામાં છ શાહી સ્નાન થશે. આ મહા કુંભ મેળાનું પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરી એટલે કે આવતીકાલે થશે. બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ પર, ત્રીજું સ્નાન 29 જાન્યુઆરી 2025 ના રોજ મૌની અમાવસ્યા પર ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમી પર, પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરી 2025 ના રોજ માઘ પૂર્ણિમાના રોજ થશે. છેલ્લું શાહી સ્નાન 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રીના રોજ થશે.